ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો પર ઇંડા-નોન વેજની લારીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ભાજપના શાસકોએ ઇંડા-નોન વેજની લારીઓ હટાવવા મુહિમ શરૂ કરી છે.
આ તરફ, આ મામલે રાજકારણ ગરમાયુ છે. એટલુ જ નહીં, રોજગારીના મુદ્દાને આગળ લારીવાળાઓ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખે પણ પલટવાર કર્યો છે અને એવો મત વ્યક્ત કર્યો છેકે, ઇંડા-નોન વેજના વેચાણનો વિરોધ જ નથી. જાહેર રસ્તા પર ટ્રાફિકને અવરોધરૂપ લારીઓ જ હટાવાશે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઇઁડા-નોન વેજની લારીઓને જાહેર રસ્તા પર દબાણ જ નહીં, લેન્ડગ્રેબિંગ સાથે સરખાવ્યા હતાં. આ નિવેદનને પગલે ભાજપ સરકાર ભેખડે ભરાઇ હતી. ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનોએ શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો પર ઇંડા-નોન વેજની લારીઓ બંધ કરાવવાનુ શરૂ કર્યુ છે.
અમદાવાદમાં પણ ઇંડા-નોન વેજની લારીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આ મામલે એવી પ્રતિક્રિયા આપી કે, ઇંડા-નોનવેજની લારીઓ હટાવવાનો સવાલ જ નથી. નોનવેજના વેચાણનો ય વિરોધ નથી. શહેરોમાં રસ્તામાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ જ હટાવવામાં આવશે. રોજગારીના મામલે વિરોધવંટોળ શરૂ થયા પ્રદેશ પ્રમુખે પીછેહટ કરવી પડ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખે મહેસૂલ મંત્રી સહિતના બધાય મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદન નહી કરવા સ્પષ્ટ સૂચના પણ આપી છે.
મહત્વની વાત તો એછેકે, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ભાજપના સત્તાધીશોએ ઇંડા- નોનવેજની લારીઓ જાહેર માર્ગો પરથી હટાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખે વિપરીત વલણ દાખવતાં ભાજપના સત્તાધીશો પણ મૂંઝવણમાં મૂકાયા હતાં. હવે આ નિર્ણયને આગળ ધપાવવો પછી નિર્ણય બદલવો એ અંગે ભાજપના શાસકો વિચારી રહ્યા છે. ગઇકાલે આણંદમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યુ હતુંકે, જેને જે ખાવુ હોય તે ખાય, સરકારને કોઇ વાંધો નથી.
આ બાજુ, શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાએ પણ એવો મત વ્યક્ત કર્યો કે, ઇંડા-નોન વેજની લારીઓ જાહેર માર્ગ પરથી હટાવવા સરકારે મ્યુનિ.કોર્પોરેશનને કોઇ સુચના આપી નથી.આ સરકારનો નિર્ણય જ નથી. ઇંડા-નોન વેજના વેચાણનો કોઇ ઇસ્યુ જ નથી. માત્ર ટ્રાફિકમાં નડતરરૂપ હશે તે લારીઓને જ હટાવાશે. આમ, ઇંડા-નોનવેજનો મુદ્દે ભાજપ સરકાર-સંગઠને હાથ ખંખેરી લીધા છે.