કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે, છતા લોકો સમજવા તૈયાર નથી. હોસ્પિટલમાં બેડની સુવિધા, ઓક્સિજનની અછત, ઈન્જેક્શનની અછતના સમાચારની ભરમાર હોવા છતા લોકો સમજતા નથી. લગ્નપ્રસંગોમાં ભીડ ભેગી કરીને તમાશો કરે છે. ત્યારે વડોદરાના નવાયાર્ડમાં નિયમતોડ ડીજે પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. લગ્નની ડીજે પાર્ટીમાં મોડી રાત સુધી યુવાનો ઝૂમ્યા હતા.
કોરોનાની ગાઈડલાઈન મુજબ, લગ્નપ્રસંગો પર ગણતરીના લોકોની મંજૂરી છે. છતાં લોકો ભીડ એકઠી કરીને પ્રસંગો યોજી રહ્યાં છે. વડોદરાના નવાયાર્ડમાં ફૂલવાડી મહોલ્લામાં લગ્ન નિમિત્તે ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. મધ્ય રાત્રિએ નિયમોનો ભંગ કરી ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં કોઈએ માસ્ક પહેર્યું ન હતું, ન તો કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું. જોકે, સમગ્ર ઘટનાથી પોલીસ અજાણ હતી. પ્રસંગના વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.
ડીજે પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફતેગંજ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. પાર્ટીમાં કુખ્યાત બુટલેગરો હાજર હોવાનો ખુલાસો થયો છે. જેમાં બુટલેગર એહમદખાન પઠાણ, શહેબાઝખાન પઠાણ, મુન્નો ઉર્ફે કાણીયો, ફૈઝલ પઠાણ, મોહસીન પઠાણ, સાહીર રાઠોડ પાર્ટીમાં હાજર જોવા મળ્યા. તો બુટલેગર ઈમરાન પોપટ, સદામ મહેબુબ, વનરાજ ઠાકોર પણ પાર્ટીના વીડિયોમાં જોવા મળ્યા.
તો બીજી તરફ, નિયમોના ધજાગરા ઉડાડીને યોજાયેલી લગ્નની ડીજે પાર્ટીમાં પોલીસ મોડે મોડે પણ કાર્યવાહી કરી હતી. ફતેગંજ પોલીસે મોડે મોડે ગુનો દાખલ કર્યો. પોલીસે આ મામલે જાહેરનામા ભંગ, રાત્રિ કરફ્યૂના ભંગનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ પોલીસે લગ્ન પાર્ટીમાં સામેલ 5 લોકોની અટકાયત કરી છે.