વડોદરા : શહેરના કિશનવાડી વિસ્તારમાં દૂષિત અને ઓછા પ્રેશરથી આવતા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં સવિતા પાર્કમાં મહિલાઓએ આજે હોબાળો મચાવી દીધો. સોસાયટીની મહિલાઓએ ભેગી થઈને તંત્ર વિરૂદ્ધ રોષ વ્યક્ત કર્યો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોર્પોરેટર સહિત તંત્રની કચેરીએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવતો.સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ મત માગવા આવે છે ત્યારબાદ પ્રજાની સમસ્યા જાણવા ફરકતા જ નથી.
નિયમિત વેરો વસૂલવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં જ તંત્ર વામણું પૂરવાર થયું છે. તો બીજીતરફ કિશનવાડી વિસ્તારમાં મીડિયાની ટીમ પહોંચી હોવાની જાણ થતાં જ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલા જેઠવા એક્શનમાં આવી ગયા. કોર્પોરેટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થાનિકોની રજૂઆતો સાંભળીને કામગીરી શરૂ કરાવી દીધી હતી.
તેમણે દાવો કર્યો કે, આ પહેલા ક્યારેય તેમને સ્થાનિકો તરફથી રજૂઆત નથી મળી. દુષિત પાણીથી પાણીજન્ય રોગચાળો વકરવાની ભીતિ રહેલી છે. રાજ્યમાં હવે કોરોનાના કેસો ઓછા થતા હવે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, ત્યારે પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળવાથી આવા રોગોના કેસો અનેક ગણા વધી શકે છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસો ઓછા થતા હવે વાયરલ તાવ અને મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, જે ગંભીર બાબત છે.