Tue. Sep 17th, 2024

વલસાડમાં 17 વર્ષીય યુવતીએ બિલ્ડિંગના ધાબા પરથી કૂદકો મારી કર્યો આપઘાત

પારડી: વલસાડ જિલ્લાના પારડી શહેરના અરિહંત ટાઉનશીપમાં ટેરેસ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઇ હતી. શિક્ષક દંપતીની પુત્રીએ બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદકો લગાવી જીવનનો અંત આણતા ટાઉનશિપમાં દોડધામ મચી ગઇ હતી.

પારડી સ્ટેટ બેંકની ગલીમાં આવેલી અરિહંત ટાઉનશિપમાં સી બિલ્ડીંગ આવેલી છે. ચાર માળની આ બિલ્ડિંગના 202 નંબરના ફ્લેટમાં રહેતા ધર્મેશ ભાઈ નારણભાઈ પટેલ કોપરલી ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે . જ્યારે તેમના પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે..આ શિક્ષક દંપતીની પૂજા અને રિદ્ધિ એમ બે પુત્રીઓ છે. જેમાંથી રિદ્ધિ નામની 17 વર્ષીય પુત્રી આજે ઘરના સભ્યોને બિલ્ડિંગના ટેરેસ પર ચાલવા જાઉં છું તેવું બહાનું બતાવી અને ઘરેથી નીકળી હતી.

તેના થોડા જ સમય બાદ બિલ્ડિંગના નીચેથી બૂમાબૂમનો અવાજ સંભળાતા શિક્ષક દંપતી પણ નીચે ઉતર્યા હતા. દ્રશ્ય જોઈ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, આ શિક્ષક દંપતીની 17 વર્ષીય વહાલી દીકરી રિદ્ધિ એ બિલ્ડિંગના ટેરેસ પરથી નીચે મોતનો કૂદકો લગાવી દીધો હતો. બિલ્ડીંગના ટેરેસ પર ચપ્પલ અને ચશમા મૂકીને તેને કૂદકો લગાવી દીધો હતો. આથી તાત્કાલિક તેને પારડીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ રિદ્ધિને મૃત જાહેર કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલ યુવતી સ્ત્રી સહજ બીમારીથી પીડાતી હતી. આથી બીમારીથી કંટાળી અને તેને આ અંતિમ પગલું ભર્યું હોય તેવું મનાઇ રહ્યું છે..જોકે પોલીસે મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights