Sat. Oct 5th, 2024

વલસાડ જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ

વલસાડ : વલસાડ જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રેનની ટક્કરથી એકસાથે 11 ગાયોના મોતને કારણે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી રહ્યો છે.

જેમાં કેટલીક ગાયો ગાભણી પણ હતી. આથી ગાયોના મૃતદેહમાંથી ગર્ભ પણ બહાર નીકળી આવ્યો હતો. ઘટના સ્થળ પર કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં ચાર ગાયોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ વલસાડના અગ્નીવીર ગૌસેવા દળ નામની જીવ દયા સંસ્થાના સ્વયંસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મૃતક ગાયોના મૃતદેહોને નજીકમાં જ ખાડો ખોદી અને તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના જોરાવાસણા અને નવસારી જિલ્લાના બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર એક ગુડસ ટ્રેન પુર ઝડપે પસાર થઇ રહી હતી. એ વખતે જ રેલવે ટ્રેક નજીક જ ચારો ચરવા આવેલી 14થી વધુ ગાયો રેલવે ટ્રેક પર આવી ચડી હતી. રેલવે ટ્રેક પર ગાયો આવી જતા ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની જોરદાર ટક્કર વાગી હતી. જેના કારણે 14 ગાયો રેલવે ટ્રેકની આજુબાજુ દૂર દૂર સુધી ફંગોળાઇ હતી. ગંભીર રીતે ઈજા થતાં 11 ગાયોનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજયું હતું.

11 ગાયોના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સહિતના આસપાસના લોકો સ્થળ પર પહોંચ્યા હતા.

Related Post

Verified by MonsterInsights