Sat. Oct 5th, 2024

વાવાઝોડાને લઈને નુકસાન થતા અગરિયાઓની હાલત કફોડી બની, રણમાં કમોસમી વરસાદના પાણી ભરાઇ જતા અગરીયાઓ બેહાલ બન્યા, અને લાખો રૂપીયાનું નુકસાન થયું

Surendranagar : સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જીલ્લાને પણ તાઉ તે વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. તાઉ તે વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઇ હતી. સુરેન્દ્રનગરમાં પણ તાઉ તે વાવાઝોડાને લઈને ભારે નુકસાન થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં અંદાજે 5 હજાર ખારાઘોડા, કુડા, પાટડી, ઝીઝુવાડા સહિતના રણમાં મીઠુ પકવતા અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સીઝન દરમિયાન પકવવામાં આવેલ 10 લાખ મેટ્રિક ટન એટલે કે 80 ટકા મીઠુ વરસાદી પાણીમાં તણાઈ જઈ અગરના પાટાઓમાં ભરાઇ જતા લાખોનું નુકસાન થયુ હતું. તો બીજી તરફ રણમાં લાઇટ માટે રાખેલ સોલર પ્લાન્ટમાં પણ વાવાઝોડાને લઈને નુકસાન થતા અગરિયાઓની હાલત કફોડી બની છે. રણમાં કમોસમી વરસાદના પાણી ભરાઇ જતા અગરીયાઓ બેહાલ બન્યા છે અને લાખો રૂપીયાનું નુકસાન થયું છે.

નોંધનીય છે કે, દેશમાં મીઠા ઉત્પાદનમાં 70 ટકા મીઠું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં 35 ટકા મીઠાનું ઉત્પાદન થાય છે. અગરીયાઓ રાત દિવસ કાળી મજુરી કરીને સતત છ મહિનાની મહેનત અગરના પાટા બનાવી મીઠાનું ઉત્પાદન કરતા હોઇ છે. પરંતુ તાઉ તે વાવાઝોડુ આવતા રણમાં પકવેલ મીઠુ પાણીમાં તણાઇ ગયું હતું.

વાવાઝોડાને કારણે સોલર પેનલમાં પણ ભારે નુકસાન થયું છે. ઝુંપડાઓ પણ ઉડી ગયા હોય સરકાર પાસે સહાય આપવા માંગ કરી છે. તો બીજી તરફ વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને તાત્કાલિક ધોરણે 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા જીવ ગુમાવનાર પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી હતી.

Related Post

Verified by MonsterInsights