વાયબ્રન્ટ વિકસિત ગુજરાતમાં ગરીબી વધી છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં 15 લાખ ગરીબો વધ્યાં છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 3.24 કરોડથી વધીને 3.41 કરોડ થઈ છે. એન.એફ.એસ.આઈ. કાર્ડની સંખ્યામાં વધારો માત્ર બતાવે છે કે ગુજરાતમાં ગરીબીનુ પ્રમાણ વધ્યુ છે.
કોરોનાકાળમાં રોજનું કમાઇને રોજનુ ખાનારાની દશા સૌથી વધુ કફોડી બની હતી. આ સ્થિતિને પગલે કેન્દ્ર સરકારે મફત અનાજ આપવાનું નક્કી કર્યું હતું. ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-ગુજરાત બ્રાન્ચે જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા કાર્ડધારકોને આપવામાં આવે છે.
આ યોજના આગામી પાંચ મહિના માટે વધારવામાં આવી છે. ખોટા ફિંગરપ્રિન્ટ્સના આધારે કાળાબજારીયાઓ દ્વારા ગરીબોના અનાજ સેરવી જાય છે, જેની ફરિયાદ મળતાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તપાસ કરી રહી છે.
કોરોનાની પ્રથમ તરંગ સમયે, ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા 3.24 કરોડ લોકોને મફત અનાજ મેળવ્યુ હતું. બીજી તરંગ દરમિયાન 3.41 કરોડ લોકોને મફત અનાજ મેળવ્યુ હતું. આ આંકડા ગુજરાતની વાસ્તવિકતાને ઉઘાડી પાડી દીધી છે કેમ કે ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તે હકીકત હવે પ્રશ્નાર્થમાં મૂકાયો છે.