આજે રાજ્યભરમાં ગુજરાતી ભાષા દિવસની ઉજવણી થઇ રહી છે. કવિ નર્મદના જન્મદિવસે સમગ્ર ગુજરાતીઓ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવે છે. આજકાલ અંગ્રેજી ભાષાનું મહત્વ ખૂબ વધી ગયું ત્યારે બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ જગાડવો ખૂબ જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ પોતાના બાળકોને ગુજરાતી શીખવા મોકલે છે. એક કરતાં વધુ ભાષાઓ આવડવી એ સારી વાત છે ,પણ માતૃભાષા તો આવડવી જ જોઈએ. ફાધર વાલેસે કહ્યું છે કે “વધુ ભાષામાં પારંગત થવું સારું, પણ માતૃભાષાથી અળગા ન થવું.”સંસ્કૃત શબ્દ’ગુર્જરત્રા’અને પ્રાકૃત શબ્દ” ગુજ્જરતા” પરથી ‘ગુજરાત એને વિશેષણ રૂપે ગુજરાતી આવ્યું. ગુજરાતના 366 રજવાડાઓમાં ગુજરાતી ગુંજતી હતી.”બાર ગામે બોલી બદલાય ” એ કહેવત પ્રમાણે ગુજરાતી ભાષામાં લોકબોલીનું મિશ્રણ થતું રહ્યું.
મુંબઈના શેર બજારની સત્તાવાર ભાષા ગુજરાતી હતી. દેશના સંવિધાનની કલમ 8 મુજબ ગુજરાતી ભાષા ને માન્યતા મળી છે. દેશની પ્રથમ 30 ભાષાઓ મા ગુજરાતી ભાષાનું સ્થાન છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારત આવી, ત્યારે કંપનીમા આવેલા અંગ્રેજોને ગુજરાતી ભાષા નું જ્ઞાન હોવું મહત્વપૂર્ણ હતું.આજે ચીનની બીજિંગ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાનો બે વર્ષનો કોર્સ ચાલે છે.
આજે ગુજરાતમાં આધુનિક ગુજરાતીના પ્રણેતા કવિ નર્મદાશંકર લાલશંકર દવે, કે જેઓ કવિ નર્મદના નામે જાણિતા છે, આજે તેમનો જન્મદિવસ છે. આજનો દિવસ ગુજરાતમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસના રૂપે ઉજવવામાં આવે છે. કવિ નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતમાં થયો હતો. અંધવિશ્વાસ, અને ધાર્મિક અસહિષ્ણુતાના તેઓ વિરોધી હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ, અને રાષ્ટ્ર ભાષા વિશેનો વિચાર કરનાર તેઓ પ્રથમ હતા.
ગુજરાતીને સમૃદ્ધ કરવામાં કવિ નર્મદ અને ગોંડલના ભગવાનસિંહજીનો અમૂલ્ય ફાળો છે. તેઓએ ગુજરાતી ભાષા શબ્દકોશ વિકસાવવામાં વર્ષો વિતાવ્યા હતા. 1850 માં મોડર્ન ગુજરાતી ભાષાના તેઓ પ્રણેતા હતા .જેમાં તેમની સાથે દલપતરામ ,પ્રેમાનંદ, કાન્ત, કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી,કલાપી, ક.મા.મુનશી જેવા ધુરંધર ગુજરાતી શબ્દ સાધકોએ ગુજરાતી ભાષાને નવો ઓપ આપ્યો.
હજાર થી પણ વધુ વર્ષો પહેલા અને સોલંકી કાળ પછી ગુજરાતી ભાષા માં સાહિત્ય રચાયું જે , ભગવદ્ ગીતા,અને રામાયણનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ હતું. તે સમયે ભાલણ, નરસિંહ મહેતા, દયારામ ભટ્ટ ,જેવા શબ્દ સાધકોએ ગુજરાતીના પ્રારંભ સમયમા વિશેષ યોગદાન આપ્યું. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે. ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે. તો આવો ભાષાનું મહત્વ સમજીએ અને તેને વિશ્વ ફલક પર પહોંચાડીએ.