અમદાવાદને દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં અગ્રતાક્રમ અપાવવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી શુક્રવારે પૂર્વ અમદાવાદના અનેક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. ન્યુસન્સ સ્પોટની ચાલીઓમાં અને અનેક સ્થળોએ સફાઈ કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે પૂર્વ ગોમતીપુર વોર્ડમાં દેવીપ્રસાદની ચાલીમાં મશીનરી મૂકીને ન્યુસન્સ સ્પોટ અને સિલ્વર ટ્રોલીઓ સાફ કરવામાં આવી હતી. ઉપરાંત લાંભા વોર્ડમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની પણ સફાઈ કરવામાં આવી હતી.
સુરેલિયા સર્કલ પાસ અને અનુપમ સર્કલ પાસેના યુરીનલની સફાઈ કરવામાં આવી હતી. આ સિવાય પૂર્વના અન્ય સ્થળોએ શુક્રવારે સવારથી સોલિડ વેસ્ટ વિભાગની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી હતી અને વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
જે પ્રમાણે મ્યુનિસિપલ તંત્ર તરફથી શુક્રવારે પૂર્વના વિસ્તારોમાં સફાઈકામગીરી હાથ ધરવામાં આવી હતી એને જોઈ સ્થાનિકોમાં ચર્ચા ચાલતી સાંભળવા મળી હતી કે, જે કામગીરી રોજ નિયમિત હાથ ધરાવી જોઈએ એ કામગીરી કયા કારણથી મ્યુનિસિપલ સપ્તાહ અંતમાં સોલીડ વેસ્ટ વિભાગ તરફથી જ કરવામાં આવી રહી છે?