Thu. Sep 19th, 2024

સરકારનાં નિયમોની અવગણના, મંજૂરી મળી નથી છતા સુરતની શાળામાં શરૂ કરી દીધા વર્ગો

  • સુરતની ગજેરા સ્કુલમાં ધો 6 થી 8 શરૂ કરવાનો મામલો
  • જિલ્લાશિક્ષાધિકારીએ આપ્યા તપાસના આદેશ
  • 4 નિરીક્ષકોને તપાસ અર્થે શાળામાં મોકલ્યા છે
  • રિપોર્ટ બાદ શાળા સામે કરાશે કડક કાર્યવાહી
  • સંચાલકની ભુલ હશે તો સંચાલક સામે લેવાશે પગલા

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ-6 થી 8 નાં વર્ગોને શરૂ કરવાની હજુ મંજૂરી આપી નથી, તેમ છતા સુરત શહેરમાં શાળાને ખોલવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, મંજૂર ન હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે.આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં રાજ્ય સરકારનાં નિયમોની અવગણના ખુલેઆમ કરવામા આવી રહી છે. શહેરનાં કતારગામમાં આવેલી ગજેરા સ્કૂલનાં સંચાલકોએ સરકારની મંજૂરી મળી ન હોવા છતા ધોરણ 6 થી 8 નાં વર્ગો શરૂ કરી દીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, ગજેરા સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ વિના વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સુરત DEO વિભાગની લાલીયાવાડી સામે આવી રહી છે.

જણાવી દઇએ કે, સુરત શહેરની ગજેરા સ્કૂલ મંજૂરી વિના શરૂ કરવી શાળા સંચાલકોને ભારે પડી છે. મળતી માહિતી અનુસાર, જિલ્લાશિક્ષાધિકારીએ આ અંગે હવે તપાસનાં આદેશ આપી દીધા છે. જે માટે 4 નિરિક્ષકોને શાળામાં તપાસ અર્થે મોકલ્યા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. આ મામલે જો સંચાલકોની બુલ હશે તો સંચાલકોની વિરુદ્ધ પગલા લેવાની વાત પણ સામે આવી રહી છે. આ મામલે રિપોર્ટ સામે આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામા આવશે.

ઉલ્લેખનીય છે કે, આજે જ્યારે રાજ્ય સરકાર કોરોનાવાયરસ મહામારીને ધ્યાનમાં રાખી સમજી વિચારીને પગલા લઇ રહી છે, ત્યારે મંજૂરી વિના શાળા ખોલવામાં આવે તે કેટલુ યોગ્ય છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. હજુ ગઇ કાલે એટલે કે મંગળવારનાં રોજ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેર કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ની શાળા શરૂ કરવાને લઇને સરકાર વિચારણા કરી રહી છે તે પોતાના નિવેદનમાં કહ્યુ છે. મંગળવારે શિક્ષણમંત્રીનાં નિવેદન બાદ આજે સુરતમાં શાળાને શરૂ કરવામાં આવી તે રાજ્ય સરકારનાં નિયમોની અવગણના બરાબર છે.

Related Post

Verified by MonsterInsights