Sat. Oct 5th, 2024

સુરત:ઉભેલા ટ્રક પાછળ ઓઈલ ભરેલું ટેન્કર ઘૂસી ગયું, કેબિન કાપી 1 કલાકે ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ બહાર કઢ્યો

સુરતના ઉધના-મગદલ્લા રોડ પર બ્રેક ડાઉન ટ્રકની પાછળ ઓઇલ ભરેલું ટેન્કરનો ચાલક ધડાકાભેર ઘૂસી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ સોમવારની મધરાત્રે બનેલી ઘટના બાદ બાઇક સવાર બે મિત્રોએ દોડીને અકસ્માતની ગંભીરતા જોઈ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બચાવવા ફાયરને જાણ કરી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ ફાયરના જવાનોએ કેબિન કાપી સ્ટિયરિંગમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ રીફર કર્યો હતો.

સાપુતારા જવા નીકળેલા બે મિત્રોએ ફાયરને જાણ કરી
સોહેબ મન્સૂરી (ફર્સ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે અમે તો બાઇક પર મિત્ર સોહેલ સાથે સાપુતારાનો પ્રવાસ પર નીકળ્યા હતા. મગદલ્લા બ્રિજ પર ટ્રાફિકજામ જોઈ જેમ તેમ બાઇક અકસ્માત ઝોન સુધી લઈ ગયા હતા. તમામ વાહન ચાલકો અકસ્માતમાં ડ્રાઇવર કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરની બચાવો બચાવોની બૂમ સાંભળી નીકળી જતા હતા. માનવતાના ધોરણે ડ્રાઇવરને મદદની જરૂર હતી. અમે મદદનો પ્રયાસ કર્યો પણ ડ્રાઇવરને બહાર ન કાઢી શક્યા એટલે તાત્કાલિક ફાયરને જાણ કરતા ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા અને કેબિન કાપી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો.

કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો.
કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો.

ડ્રાઈવરને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
પ્રકાશ પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે 1:20 વાગ્યાનો હતો. ટ્રક પાછળ ઓઇલ ટેન્કર ઘૂસી ગયો હોવાનું અને ડ્રાઇવર કેબિનમાં એક ફસાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. દોડીને ઘટના સ્થળે ગયા તો ટેન્કર ખૂબ જ ખરાબ રીતે ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. કેબિન તો ચપ્પડ થઈ ગયું હતું. તાત્કાલિક ટેન્કરને ટો કરી પાછળ ખેંચીને કેબિન કાપ્યું અને સ્ટિયરિંગમાં ફસાયેલા ડ્રાઇવર સુનિલ લોકનાથ યાદવને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. પોલીસ અને લોકોની મદદથી સુનીલને 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

બે મિત્રોએ મદદનો પ્રયાસ કર્યો પણ ડ્રાઇવરને બહાર ન કાઢી શક્યા એટલે તાત્કાલિક ફાયરને જાણ કરી.
બે મિત્રોએ મદદનો પ્રયાસ કર્યો પણ ડ્રાઇવરને બહાર ન કાઢી શક્યા એટલે તાત્કાલિક ફાયરને જાણ કરી.

કોલસો ભરેલી ટ્રક બ્રેક ડાઉન બાદ રોડ બાજુએ ઉભી હતી
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત ગંભીર હતો. કોલસો ભરેલી ટ્રક બ્રેક ડાઉન બાદ રોડ બાજુએ ઉભી હતી. ઓઇલ ટેન્કર પાછળથી ઘૂસી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. લોકોની ભીડમાંથી માહિતી મળતા પોલીસ દોડી ગઈ હતી. કેબિનમાંથી ડ્રાઇવરને રેસ્ક્યુ કરી બહાર કઢાયા બાદ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights