સુરતની આ શિક્ષિકાને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માંનિત કરવામાં આવશે

1,271 Views

5મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલની રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ગાંધીનગર ખાતે રાજયપારિતોષિક-2020ના એવોર્ડથી નવાજવામાં આવશે.

સુરતની શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા હાઇસ્કૂલમાં હેમાક્ષીબેન પટેલ 22 વર્ષથી વિજ્ઞાન અને ગણિત વિષયમાં મદદનીશ શિક્ષિકા તરીકે સેવા બજાવી રહ્યા છે. હેમાક્ષીબેને રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ વડે ‘ભાર વિનાનું ભણતર’ સુત્રને સાર્થક કરીને વિદ્યાર્થીઓમાં જ્ઞાન-વિજ્ઞાનની જિજ્ઞાસાને સંતોષી છે. બાળકોમાં આત્મવિશ્વાસ વધે તે માટે વિદ્યાર્થીઓને બાહ્યલક્ષી પ્રવૃતિઓ જેવી કે ગુજકોસ્ટ સાયન્સ ક્લબની પ્રવૃતિઓ તથા પ્રખરતા શોધ કસોટી, ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ઓફ સાયન્સ, ગણિત, અંગ્રેજી, કોમ્પ્યુટરમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીને રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ ઇનામ તથા મેડલના હકદાર બનાવ્યા છે. જે શાળાની વિશેષ સિદ્વી છે. તેઓ વર્ષ 2018-19માં સુરત જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ ઇનોવેટીવ ટીચર તરીકે પસંદગી પામ્યા હતા, અને શ્રી સાંદિપની વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

ધો.9 અને 10ના વિજ્ઞાન વિષયના તજજ્ઞ તરીકે ગાંધીનગરથી સેટેલાઈટ દ્વારા શિક્ષણકાર્યમાં સક્રિયતા દર્શાવી હેમાક્ષીબેને ગુજરાતના અંતરિયાળ ગામડામાં શિક્ષણકાર્ય પહોચાડવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે.બાળકોના ઘડતરમાં શિક્ષણની મહત્તા પર ભાર મુકતા હેમાક્ષીબેન કહે છે કે, આજના વૈશ્વિક યુગમાં શિક્ષણ સાથે સંસ્કારો અને આધુનિક યુગ અનુરૂપ શિક્ષણ વિદ્યાર્થીઓના જીવનની કાયાપલટ કરશે. પુસ્તકના જ્ઞાન સાથે જ પ્રવૃતિલક્ષી શિક્ષણ કેળવવું ખુબ જરૂરી છે.રાજ્ય સરકારના ‘ડિજીટલ શિક્ષણ’ માંથી પ્રેરણા લઇ પોતાની શાળાના બાળકો દ્રશ્યશ્રાવ્ય માધ્યમથી રસપૂર્વક અનેકગણું શીખી શકે તે માટે મલ્ટીમીડિયા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, ડીજીટલ બોર્ડ, ફ્લેટ પેનલબોર્ડ જેવા માધ્યમો દ્વારા શિક્ષણ મળે તેવા હેમાક્ષીબેનના સરાહનીય પ્રયાસો રહ્યા છે. ધો.9 અને 10ના વિજ્ઞાન, ગણિત વિષયના તમામ પ્રકરણો પીપીટી, વિડીયો, મોડેલ, ઈ-બુક, ચાર્ટ અને પ્રયોગો જેવી નવીનતમ પ્રવૃત્તિઓ કરી છે. જેનાથી વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન પ્રત્યે અણગમો રાખવાના બદલે રસરૂચિ દાખવી રહ્યા છે.

હેમાક્ષીબેન જણાવે છે કે, કોરોના વૈશ્વિક મહામારીના સમયે બાળકોને ટેકનોલોજીના માધ્યમ વડે ઓનલાઈન શિક્ષણ આપવા પ્રયત્નો કર્યા છે. માઈક્રોસોફ્ટ ઓનલાઈન બોર્ડ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રિસોર્સ પર્સન તરીકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું. પ્રવર્તમાન પ્રવાહોથી માહિતગાર બની શૈક્ષણિક રીતે બાળકોને સુસજ્જ રાખવા પ્રયત્નશીલ છું.સામાજિક કાર્યો કરવામાં આગવી રૂચિ ધરાવતા તેણી તારુણ્યવસ્થાની સમસ્યા માટે ચાલતા વિજ્ઞાન ક્લબમાં કાર્યરત છે. જેમાં શાળાના બાળકોને સુરત મહાનગરપાલિકા અને સુરત સિવિલના ડોકટરોની ટીમ દ્વારા સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવામાં આવે છે. તેઓ વ્યસનમુક્તિ અને મહિલા સશક્તિકરણ કાર્યક્રમોની ઉજવણી અને પ્રવૃતિઓમાં સક્રિય છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને લોકસહકાર મેળવી સ્કુલ, કોલેજ ફી, ગણવેશ, પુસ્તકો, નોટબુક વગરે આપીને સેવા સાથે સંવેદનાનું કાર્ય પણ તેઓ કરે છે. જ્ઞાન અને કૌશલ્ય વડે બાળકનો સર્જનાત્મક વિકાસ થાય તે માટે હેમાક્ષીબેન શિક્ષણની જ્ઞાનજ્યોત જલાવવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *