સુરત: લિંબાયતમાં એક 2 વર્ષનું બાળક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા 55 કલાકની સારવાર બાદ મોત નીપજ્યું છે. શનિવારે માતા બાથરૂમમાં જતાં બાળકને મોબાઈલમાં કાર્ટૂન જોતાં-જોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. આ ઘટનાના હૃદય દ્રાવક CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જોકે પ્રતાપનગરના એપાર્ટમેન્ટની બારીમાંથી નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની તબીબી સારવાર બાદ મોત નીપજ્યું છે.
મૃત બાળકના પિતા વસીમ અન્સારીએ જણાવ્યું હતું કે બે વર્ષનો વારીસ તેમનો એકનો એક પુત્ર હતો. મારી પત્નીએ દીકરા વારિસ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ચાલી ગઈ હતી, પરંતુ બહાર પરત ફરતાં વારીસ બેડ પર ન દેખાતાં તેની શોધખોળ શરૂ કરી હતી.
55 કલાકની સારવાર બાદ પણ ન બચ્યો વારીસ
જો કે બારીમાંથી નજર નીચે પડતાં લોકોની ભીડ જોઈ તે નીચે દોડી ગઈ હતી. ભીડમાં ઉપસ્થિત લોકોએ કહ્યું હતું કે એક બાળક નીચે પટકાતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. આ સાંભળી પત્નીના હોશ ઊડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતાં હું ઘરે દોડી આવ્યો હતો. વસીમે જણાવ્યું કે, વારીસ તેમનો એકનો એક દીકરો હતો. 55 કલાકમાં 50 હજારનો ખર્ચો કર્યા બાદ પણ અમે તેને બચાવી શક્યા નથી.
માતા-પિતા સાવધાન!
આ ઘટના બીજા અનેક માતાપિતાઓ માટે પણ લાલબત્તી સમાન છે. વસીમના ઘરમાં બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું. ઘરોમાં માતા-પિતા હંમેશા બાળકોને મોબાઈલ આપી પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોય છે. તેવામાં બાળકો શું કરે છે તેનું તેઓને ધ્યાન રહેતુ નથી, ત્યારે આ ઘટના બાદ બાળકોની સુરક્ષા પ્રત્યે મા-બાપને વધુ સજાગ થવાની જરૂર વરતાઈ રહી છે.