સુરત : સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગૌરવ પાથ રોડ પાસે નવા બનેલા બિલ્ડિંગ નજીક સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે ગરીબ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અડાજણ-પાલ ગૌરવ પથ પર નવનિર્મિત બાંધકામ સ્થળ પર બની છે. ગુરુવારે બપોરે બે વાગ્યે સ્થળ પર મજૂરી કામ કરતા પરિવારની એક ત્રણ વર્ષની બાળકી ગુમ થઈ હતી. ત્રણ ચાર કલાકની શોધખોળ બાદ પુત્રીનો કોઈ પત્તો મળ્યો ન હતો.
ત્યારબાદ આ મામલો અડાજણ પોલીસને જાણ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી પહોંચીને અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે બાંધકામ સ્થળ પર સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. એક સિક્યુરિટી ગાર્ડ આ બાળકીને લઈ જતા જોવા મળ્યો હતો.
પોલીસ દ્વારા વધુ તપાસ કરાવ્યા બાદ બહાર આવ્યું કે, સિક્યુરિટી ગાર્ડ નજીકની બિલ્ડિંગનો હતો. પોલીસે બાજુના બિલ્ડિંગમાં તલાશી લીધી અને જોયુ કે, તેના અગાશી પરથી બાળકી બેભાન હાલતમાં હતી. ઇજાગ્રસ્ત હાલતમાં બાળકી ધાબા પરથી મળી આવી હતી. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અડાજણ સિક્યુરિટી ગાર્ડને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. તેનું નામ શિવનારાયણ જયરાજસિંહ (ઉમર 31) છે, જે યુપીનો વતની છે.