સુરત : કોરોના કાળમાં નાણા ભીડમાં ફસાયેલા એક યુવકે કિડની વેચીને રૂપિયા કમાવવા તેણે ગૂગલ પર SELL KIDNEY FOR MONEY લખીને સર્ચ કરતા ઘણા વિકલ્પો સામે આવ્યા. જેમાંથી એક વેબસાઈટનો તેણે સંપર્ક કર્યો. જેણે તેને બેગ્લોરની હોસ્પિટલના ફોટોગ્રાફ્સ અને માહિતી આપી અને કિડનીના બદલામાં 4 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી.
પહેલા તેને 2 કરોડ રૂપિયા જમા કરાવશે તેવી લોભામણી વાતો કરી હોસ્પિટલના રજિસ્ટ્રેશન ફી તરીકે તેની પાસેથી સૌથી પહેલા 9,999 રૂપિયા લઈ લેવાયા. જો કે, આ યુવાન અહીં પણ ન સમજ્યો. પહેલા ખાતામાં 2 કરોડ અને કિડની ડોનેટ કર્યા પછી 2 કરોડ આપવામાં આવશે તેવી વાતમાં આવીને ફરી તેની પાસે ટ્રાન્સફર ફી પેટે બીજા 35 હજાર પડાવી લેવામાં આવ્યા. એમ કરીને બાદમાં તેની પાસેથી ઇન્કમટેક્ષ ફી વગેરે કહીને જુદા જુદા ખાતામાં કુલ 14,78,400 પડાવી લેવામાં આવ્યા. બદલામાં દેવું ચૂકતે કરવા ન તો તે પોતાની કિડની વેચી શક્યો, ન તો તેને 4 કરોડ રૂપિયા મળ્યા. અધૂરામાં પૂરું તેણે 14 લાખ રૂપિયાથી હાથ ધોવનો વારો આવ્યો.