સુરત:કોર્પોરેટર પત્નીના આક્ષેપથી પીડિત આપના એક કાર્યકરે આજે મનીષ સીસોદિયાના પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જીવન ભારતી કંપાઉન્ડમાં શરીરે કેરોસીન છાતી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ ચિરાગને તાત્કાલિક પકડીને બહાર લઈ ગઈ હતી. જોકે હજી સુધી આ વાત સાથે પોલીસે કોઈ નિવેદન આપ્યા નથી. પણ કંપાઉન્ડમાં ઉભા રહેલા કાર્યકર્તાઓએ વાતને વેગ આપતા ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસ અગાઉ આપની કોર્પોરેટર રુતા દુધાગરાએ પતિ ચિરાગ સામે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના એક નેતા પાસે ચિરાગે 25 લાખ લીધા છે. જેને લઈ પારિવારિક ઝગડા થતા બન્ને વચ્ચે છૂટાછેડા થયા છે. જોકે ચિરાગે પત્નીના આક્ષેપને વખોડી કહ્યું હતું કે, મારું ઘર તોડવામાં શહેર પ્રમુખનો મોટો રોલ છે. મારી પત્ની રુત્રા સાથે હજી મારા છૂટાછેડા થયા નથી.

સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી હતી. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિનો ઘરસંસાર પણ પડી ભાંગ્યો હતો. પતિએ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ વીડી ઝાલાવાડિયા છે.

પોલીસ ચિરાગને તાત્કાલિક પકડીને બહાર લઈ ગઈ હતી
પોલીસ ચિરાગને તાત્કાલિક પકડીને બહાર લઈ ગઈ હતી

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-3માં આમઆદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયાં હતાં. ત્યારે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરુદ્ધ પક્ષપલટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો હતો. મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે, મારા ભવ્ય વિજયને પગલે છેલ્લા કેટલાક સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા અલગ-અલગ માણસો મોકલીને મને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. રૂપિયાની લાલચમાં ન આવતાં પરિવાર દ્વારા દબાણ કરાવાતાં મારે છૂટાછેડા પણ લેવા પડ્યા છે.

આ અંગે ઋતા દુધાગરાના પતિ ચિરાગ દુધાગરાએ જણાવ્યું કે, હું કોઈને છોડીશ નહિં, મારું ઘર તોડ્યું છે. આ આપની પાપ લીલા કહેવાય. મેં આપ(પાર્ટી)નો ભરોસો અકબંધ રાખ્યો છે. ઋતાએ કોઈના દબાણમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હોય એમ લાગે છે. ઋતા કહે છે એને 3 કરોડની ઓફર મળી છે કોઈ પુરાવા તો હશે ને, એને અરજી લખતા નથી આવડતું, તો એને આટલી મોટી ઓફર કોણ કરે? હું ભાજપના કોઈ નેતાને મળ્યો નથી અને ઓળખતો પણ નથી. મારે કોઈ સાથે સંબંધ નથી, એ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તો મેં 25 લાખ લીધા એ સાબિત કરે. ચૂંટણી પહેલા ફોર્મ પાછું ખેંચાવી લેવા માટે અઢી કરોડની ઓફર હતી. ઘણા મિત્રો અને રાજકીય લોકો મને સમજાવતા હતા ત્યારે મેં રૂપિયા ન લીધા હોય તો આજે 25 લાખ લેવાનો? મારા છૂટાછેડા થયા નથી, ઋતાએ વેસુમાં રહેતી બહેનપણી સાથે રહેતી હોવાનો પુરાવો બહેનપણીની માતાને આપવા મારી સાથે બોગસ ડિવોર્સ પેપર પર સહી લીધી હતી. ત્યારબાદ થોડા દિવસમાં જ એ પેપર મારી સામે ફાડી નાખ્યું હતું. હું તમામ સામે કાર્યવાહી કરીશ. જેણે મારું ઘર તોડવામાં ભૂમિકા ભજવી છે.

પતિએ એગ્રીમેન્ટ ન પાળતાં છૂટાછેડા લીધા હોવાના કાગળ પણ ઋતાએ દર્શાવ્યા હતા.
પતિએ એગ્રીમેન્ટ ન પાળતાં છૂટાછેડા લીધા હોવાના કાગળ પણ ઋતાએ દર્શાવ્યા હતા.

ત્રણ કરોડ રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હોવાનું જણાવતાં ઋતાએ ઉમેર્યું હતું કે તેમના પૂર્વ પતિ દ્વારા પણ આ ઓફર સ્વીકારી લેવા માટે ભારે દબાણ કરવામાં આવતું હતું, પરંતુ તેઓ ટસથી મસ ન થતાં તેના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ કારસો રચવામાં આવ્યો હતો. નાછૂટકે ગત 21મી મેના રોજ ઋતા દુધાગરા અને ચિરાગે છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. હાલ બન્નેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને ચિરાગ દુધાગરા પણ 25 લાખ રૂપિયા લઈને ભાજપમાં જોડાઈ ગયો હોવાનો ઋતાએ આક્ષેપ કર્યો હતો.

‘આપ’નાં કોર્પોરેટર ઋતાએ જણાવ્યું હતું કે મારા પર ભાજપ દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મને તોડવામાં આવી રહી છે. જોકે ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે હું ક્યારેય ભાજપ સાથે જોડાઈશ નહીં. જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીત અપાવી છે તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરું. જોકે,થોડા દિવસો અગાઉ પણ ઋતા દુધાગરા વિરોધની વાતો સામે આવી હતી ત્યારે ‘આપ’ના પ્રવક્તા દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું. જોકે આજે ઋતા દુધાગરાએ સામે આવીને સમગ્ર વાત સ્વીકારી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights