અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલા ન્યૂઝ એન્કર પર પ્રતિબંધ મૂક્યો છે. એક સરકારી ન્યૂઝ ચેનલની મહિલા ન્યૂઝ એન્કર પર તાલિબાનોએ ફાયરિંગ કર્યું છે. હવે તાલિબાન એન્કર ટીવી પર સમાચાર વાંચશે. ખાદીજા અમીના નામની મહિલા સરકારી ન્યૂઝ ચેનલમાં એન્કર હતી, તેને પણ હટાવી દેવામાં આવી છે.
એક દિવસ પહેલા તાલિબાને કહ્યું હતું કે મહિલાઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે. હવે તાલિબાન કહી રહ્યું છે કે મહિલાઓને શરિયા કાયદા હેઠળ જ કામ કરવાની છૂટ છે.
કાઢી મૂક્યા બાદ અફઘાન ન્યૂઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું કે, ‘હું શું કરીશ, આગામી પેઢીને કોઈ કામ નહીં રહે. 20 વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે જતું રહેશે. તાલિબાન તાલિબાન છે, તેઓ બદલાયા નથી.
એક દિવસ પહેલા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે હવે અફઘાનિસ્તાન મુક્ત થયું છે. અગાઉની સરકારમાં મહિલાઓ પર ઘણા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. તે જ સમયે, તેના શાસન દરમિયાન મહિલાઓ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. મુજાહિદના મતે મહિલાઓને ઇસ્લામિક કાયદાના ધોરણો હેઠળ અધિકારો આપવામાં આવશે. મહિલાઓને આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની સ્વતંત્રતા મળશે.
20 વર્ષ પહેલા તાલિબાનના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં મહિલાઓ ઘરની ચાર દીવાલોની અંદર બંધ હતી. ત્યારે પણ મહિલાઓના જીવન અને અધિકારો પર ઘણા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે તાલિબાન ફરી એક વખત સત્તા પર આવ્યું છે. આવી સ્થિતિમાં, સૌથી મોટી સમસ્યા અફઘાન મહિલાઓની સલામતી અને અધિકારોની રહી છે.