દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ક્રીપ્ટોકરન્સી ખોટા વર્ગના હાથમાં જાય નહી તેના માટે લોકતાંત્રિક દેશોએ સહયોગ કરવો જોઈએ એવી વાત કરી હતી. બીજી તરફ, ક્રીપ્ટોકરન્સી દેશના અર્થતંત્ર અને નાણકીય સીસ્ટમ માટે જોખમી હોવાનું વલણ ધરાવતી રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનું સત્તાવાર ડીજીટલ ચલણ લોન્ચ કરવા માટેના સંકેત આપ્યા છે.

સિડની ડાયલોગમાં ડીજીટલ ક્રાંતિ અંગે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ટેકનોલોજી અને ડેટા નવા શસ્ત્ર છે. ટેકનોલોજીની અદભૂત શક્તિઓનો ઉપયોગ સહકાર કે ઘર્ષણ માટે બળજબરી કે વિકલ્પ કે પછી વિકાસ કે આધિપત્ય માટે કરવો તે અંગે વિવિધ રાષ્ટ્રોેએ નક્કી કરવાનું છે.

‘વિવિધ રાષ્ટ્રોના હિતોની સાથે ટેકનોલોજી થકી વ્યાપાર, મૂડીરોકાણ અને જાહેર હિતને પ્રોત્સાહન મળવું જોઈએ. ઉદાહરણ તરીકે ક્રીપ્ટોકરન્સી કે બીટકોઈન માટે દરેક લોકતાંત્રિક દેશ સાથે મળી કાર્ય કરે એ જરૂરી છે. એ ખોટા વર્ગના હાથોમાં જવા જોઈએ નહી તેનાથી આપણા યુવાનો ભ્રમિત થઇ શકે છે,’ એમ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જણાવ્યું હતું.

અગાઉ, સ્થાનિક નિષ્ણાતો અને વરિષ્ઠ મંત્રીઓ સાથે રવિવારે વડાપ્રધાને બેઠક કરી હતી. આ બેઠકમાં પણ ક્રીપ્ટોકરન્સી જેવું અનિયંત્રિત ચલણ હવાલાના કારોબાર કે ત્રસવાદી સંગઠનના નાણા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવા નહી તેના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભારતમાં આ ચલણના ઉપયોગ, વ્યવહાર અને નિયંત્રણ અંગે નીતિ ઘડી કાઢવા માટે વાર્તાલાપ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી હતી.

દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભારતના સત્તાવાર ચલણને ડીજીટલ સ્વરૂપ તરીકે લોન્ચ કરવા આગળ વધી રહી છે. દેશની સેન્ટ્રલ બેંકના પેમેન્ટ અને સેટલમેન્ટ વિભાગના વડા પી વાસુદેવને જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોેરણે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ ડીજીટલ ચલણ લોન્ચ થઇ જશે.

સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ ચલણ એટલે એવું ચલણ કે જેમાં ચલણી નોટની જરૂર નહિ રહે અને તેના સ્થાને માત્ર તેનું બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીજીટલ સર્જન જ થશે.

સમગ્ર્ર દુનિયામાં ક્રીપ્ટોકરન્સીનું સર્જન પણ આ ટેકનોલોજીથી જ થાય છે પણ ફરક એટલે છે કે તેને કોઇ પણ દેશ કે દેશની મધ્યસ્થ બેંક તરફથી માન્યતા આપવામાં આવી નથી. વિશ્વના અગ્રણી અર્થતંત્રમાં ચીન એક એવો દેશ છે કે જેણે પોતના ચલણ યુઆનના ડીજીટલ સ્વરૂપને પ્રાયોગિક ધોરણે લોન્ચ કરી દીધું છે.

ઓગસ્ટમાં રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસે રિઝર્વ બેંક ડીજીટલ કરન્સીનો વિકલ્પ શરૂ કરવા અંગે તૈયાર હોવાનું અને ડિસેમ્બરમાં તેનો પ્રયોગ શરૂ કરશે એવી જાહેરાત કરી હતી. જોકે, આ એક જટિલ પ્રક્રિયા હોવાથી તેમાં વિલંબ થઇ રહ્યો છે એવું હવે રિઝર્વ બેંક જણાવી રહી છે. ‘અમે આ માટે કામગીરી કરી રહ્યા છીએ.

સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ ચલણ અંગેના દરેક પાસાનો ઝીણવટભર્યો અભ્યાસ ચાલી રહ્યો છે. આ સરળ કામ નથી કે આવતીકાલથી જ તેની આદત પડી શકે. તેનો કઈ રીતે અમલ થાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેના આધારે ઉપયોગીતા નક્કી થશે એટલે બહુ ઉતાવળ કરવી જોઈએ નહિ,’ એમ વાસુદેવને ઉમેર્યું હતું.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page