વેબ સિરીઝ અસુરમાં જેમ એક વ્યક્તિ ઓળખ છૂપાવી મુખોટું પહેરી એક બાદ એક હત્યા કરે છે. આવી જ કંઈક ઘટના અમદાવાદમાં બનતા પોલીસ દોડતી થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હત્યારો હત્યા કર્યા બાદ મૃતદેહનાં ટુકડા કચરાના ઢગલામાં નાખીને તેનો નિકાલ કરી રહ્યો છે. હત્યારાને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને હવે શહેરભરની પોલીસ દોડધામ કરી રહી છે. સાથે જ હત્યા કોની અને કેમ તથા કોણે કરી તેની પણ તપાસ થઈ રહી છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ તે મૃતદેહનું માત્ર ધડ જ હતું. જે અંગે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતક અને આરોપીની શોધખોળ કરતી હતી. તેવામાં આજે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે સવારે માનવ મૃતદેહના બે પગ મળી આવ્યા હતા. જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમા જોતરાઈ છે. કારણ કે એક બાદ એક માનવ અંગો મળી આવતા હત્યારો જાણે પોલીસને પડકાર ફેંકતો હોય તેમ લાગી રહ્યુ છે. વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ મૃતદેહની સાયન્ટિફિક તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે માનવ મૃતદેહનાં બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે. જેથી આ બંને ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ અલગ છે તે અંગે હકીકત સામે આવશે. સાથે મૃતક યુવક કોણ છે તેની શોધખોળ માટે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા યુવકોને અને તેમના પરિવારને શોધવા પોલીસ કાર્યવાહી કરી રહી છે.