Thu. Apr 25th, 2024

અમદાવાદ: એક જ રાતમાં ત્રણ ખૂનના બનાવ,ઘાટલોડિયામાં લૂંટના ઇરાદે વૃદ્ધ દંપત્તીની હત્યા,વેજલપુરમાં અદાવતમાં યુવકને પતાવી દીધો

By Shubham Agrawal Nov3,2021

અમદાવાદમાં એક જ રાતમાં ત્રિપલ મર્ડરની ઘટના બનતા સનસની મચી ગઇ છે. એક બાજુ ઘાટલોડિયામાં લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીને રહેંશી નાખતા ફફરાટ ફેલાઇ ગયો છે. તો બીજી તરફ વેજલપુરમાં અંગત અદાવતમાં એક યુવકને ચાકુના ઉપરાછાપરી ઘા મારી પતાવી દીધો હતો. હાલ બંને ઘટનાઓમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતીની હત્યાના કારણે ચકચાર મચી જવા પામ્યો છે. હત્યા બાદ આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જણાવી દઈએ કે FSL ની ટીમ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી છે. પોલીસની અલગ અલગ ટીમો હવે આ ઘટનામાં તપાસમાં લાગી ગઈ છે. ભરચક વિસ્તારમાં જે રીતે હત્યા થઇ છે તે મુજબ કોઈ જાણભેદુનું આ કારસ્તાન હોવાની શંકા છે. જણાવી દઈએ કે ક્રાઈમબ્રાંચની ટીમ પણ ઘટનાને લઈને તપાસમાં લાગી ગઈ છે. સીસીટીવી ફૂટેજ અને કૉલ ડિટેલ્સના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગઇકાલે રાતે શહેરનાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રન્નાપાર્કમાં પારસમણી ફ્લેટમાં દયાનંદ સુબ્બારાવ સાનભાર (ઉ.વ 90) અને વિજયાલક્ષ્મી બેન દયાનંદ સાનભાર (ઉવ. 80) રહે છે. જો કે ગઇ રાતે લૂંટના ઇરાદે આ દંપત્તીની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાના કલાકો સુધી પોલીસને આ અંગે માહિતી પણ નહોતી મળી. પાડોશી દ્વારા પોલીસ અને મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

હત્યા શા માટે કરવામાં આવી અને ક્યારે કરવામાં આવી વગેરે મુદ્દે તપાસ ચલાવી રહી છે. આસપાસનાં વિસ્તારોનાં સીસીટીવી પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ અને પુછપરછનાં આધારે પણ તપાસ આદરી છે. આ ઉપરાંત દંપત્તીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની તથા પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટના પરથી સવાલ થાય કે સબ સલામત હોવાનાં અને સતત પેટ્રોલિંગના બણગા ફૂંકતી પોલીસ ફરી એકવાર ઉંઘતી ઝડપાઇ છે. ઘાટલોડીયા જેવા વિસ્તારમાં આટલી મોટી ઘટના બને તેમ છતા પણ પોલીસ સ્લીપીંગ મોડમાં જોવા મળે અને રિપોર્ટર દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે તેમ છતા પણ ઉડાઉ જવાબ આપવામાં આવે તે પોલીસ અને પોલીસ અધિકારીની સામે સવાલો પેદા કરે છે.

વેજલપુરમાં અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા

વેજલપુર વિસ્તારમાં રહેતા શાહરૂખ નામના યુવકની બદમાશોએ ઉપરાછાપરી ચાકુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. જીસાન અન્સારી, સલીમ ઉર્ફે ડાન્સર તેમજ અન્ય છ લોકોએ ભેગા મળીને શાહરૂખને બેરહેમીથી માર મારી ચાકુના ઘા માર્યા હતા. હત્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. આ મામલે પોલીસે છ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights