Mon. Dec 30th, 2024

મહારાષ્ટ્ર: ભૂસ્ખલન અને ઈમારત ધરાશાયી થવાથી 55 જેટલા લોકોનાં મોત, 70થી વધુ લાપતા

મહારાષ્ટ્રમાં અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે રાયગઢ, રત્નાગિરી, પાલઘર, થાણે અને નાગપુર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે રાજ્યમાં અત્યારસુધીમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાયગઢના તલાઈ ગામમાં વરસાદના કારણે ભૂસ્ખલન થતા 35 જેટલા ઘરો તેની નીચે દબાઈ ગયા હતા. આ દૂર્ઘટનામાં 44 જેટલા લોકોના મૃત્યું નિપજ્યા છે. 70થી વધુ લોકો ગુમ થયા છે તો 15 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હજી પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયેલા છે તે જોતા મૃત્યુઆંક વધી શકે છે.

સતારામાં ભૂસ્ખલન, મુંબઈમાં મકાન ધરાશાયી

બીજી બાજુ સતારા જિલ્લામાં ભૂસ્ખલનના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે મુંબઈમાં એક મકાન ધરાશાયી થતા 5 લોકોના મૃત્યું થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 55થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. NDRFની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. જોકે ભારે વરસાદના કારણે રાહત કાર્યમાં અહીં મુશ્કેલીઓ પડી રહી છે.

રાગયઢ જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, જિલ્લામાં ભૂસ્ખલનના કારણે કુલ 36 લોકોનાં મૃત્યું થયા છે. તલાઈ વિસ્તારમાં 32 અને સુતારવાડીમાં 4 લોકોનાં મૃત્યું થયા છે. સતારામાં તે જ સમયે 8 લોકોનાં મત્યું થયા છે. જ્યારે 2 લોકો હજી ગુમ છે.

મુખ્યમંત્રીના લોકોને સુરક્ષિત ખસેડવાના આદેશ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે રાયગઢના તલાઈ ગામમાં ભૂસ્ખલનના કારણે લગભગ 36 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક જગ્યાએ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં જ્યાં ભૂસ્ખલનની સંભાવના છે તે વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવાના આદેશ આપ્યા છે. તેમણે ઉમેર્યું કે, રસ્તાઓ અને પુલને થયેલા નુકસાનના કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે જણાવ્યું કે, પંચગંગા નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે કોલ્હાપુરમાં સ્થિતિ વણસી શકે છે. તેમણે જણાવ્યું કે, NDRFની 2 ટીમો ત્યા હાજર છે વધુ એક ટીમ મોકલવામાં આવી રહી છે

 

Related Post

Verified by MonsterInsights