Sun. Dec 22nd, 2024

સાહેબ,અમારા બાળકોને શાળાએ જવું છે, પણ રસ્તો ક્યાં છે? આજે પણ ગુજરાતના આ ગામના લોકો વિકાસથી વંચિત

મહીસાગર: લુણાવાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટ ભાજપની હોવા છતાં પણ ગ્રામજનો રોડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ત્રણ પંચાયતનાની હદ રેખાના કારણે રોડથી વંચિત રહી ગયાં છે અને ગ્રામજનો જે પણ પંચાયતમાં રજૂઆત કરવા જતાં તેઓને તે રોડ તે પંચાયતમાં નથી આવતો તેમ કહેવામાં આવતું, જ્યારે નકશાના આધારે તે રોડ ચરેલ ગ્રામ પંચાયતમાં બતાવે છે અને ગામ દલુંખડીયા ગ્રામ પંચાયતમાં છે અને વર્ષોથી ગ્રામજનો માટે પ્રાણરૂપ પ્રશ્ન ક્યારે ઉકેલાશે અને ક્યારે ગ્રામજનો ને પાકો રસ્તો જોવા મળશે તે એક મોટો પ્રશ્ન છે.

લુણાવાડા નગરપાલિકા વિસ્તારથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા ધોળી ગામના પટેલીયા ફળિયાના બાળકોને શાળાએ જવું છે, પરંતુ ચોમાસામાં કાદવ-કીચડના રસ્તાના કારણે ક્યાંય જઈ શકતા નથી. અહીં સર્વે નંબર 14 પૈકી 1 અને 14 પૈકી 2નો રસ્તો વર્ષોથી ન બનતાં ત્યાં રહેતા 40થી વધુ પરિવારો રોડ વગર ચોમાસામાં કાદવ કીચડમાં જવા મજબૂર બન્યા છે. ચોમાસામાં બાળકો લપસી જવાના કારણે શાળાએ પણ જઈ શકતા નથી.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સરકારની યોજનાઓ હેઠળ ગ્રામજનો દ્વારા 1998થી રસ્તાની માગણી કરવામાં આવી છે. કેટલાય કાગળો રાજ્ય સરકાર તેમજ કલેકટર અને સ્થાનિક ગ્રામપંચાયતના તલાટી તેમજ સરપંચને કરવામાં આવ્યા છે, છતાં પણ તેનો કોઈ ઉકેલ આવેલ નથી. આજે પણ ચરેલ, દલુંખડીયા, અને મોતીઘોડા ગ્રામપંચાયતની આટઘૂટી અને બેધારી નીતિનો શિકાર બની રહ્યા છે.

 

Related Post

Verified by MonsterInsights