અમદાવાદની વટવા GIDC ફેઝ 4માં આવેલી મરુધર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગને 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિવિધ એજન્સીઓ દ્વારા તપાસમાં ઢીલાશ રાખવામાં આવી રહી છે.

વટવા GIDC પોલીસે સમગ્ર મામલે જાણવાજોગ દાખલ કરી છે. આ સાથે જ ફાયરવિભાગ દ્વારા કંપનીમાં સેમ્પલ કલેક્શન માટે ક્લિયરન્સ આપ્યા બાદ FSLની ટીમ દ્વારા વિવિધ કેમિકલના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જો કે 36 કલાક દરમ્યાન કંપનીનાના માલિકો દ્વારા જે જગ્યા પર કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, તે જગ્યા પર માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને હવે જ્યારે FSLની ટીમ સેમ્પલ કલેક્શન માટે આવશે ત્યારે ક્યાં પ્રકારના કેમિકલ કંપનીમાં રાખવામાં આવ્યા હતા તેના સેમ્પલ લેવામાં FSLના અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વટવા GIDC પોલીસ દ્વારા શનિવારે રાત્રે FSL અધિકારીઓને કહેવામાં આવ્યું કે હજુ કંપનીમાં જ્યાં આગ લાગી હતી, ત્યાંથી ધુમાડા નીકળી રહ્યા છે સાથે જ સેમ્પલ લઈ શકાય તેવી પરીસ્થતિ નથી માટે FSLની ટીમ સેમ્પલ માટે વિઝીટ ન કરે. જો કે આ દરમ્યાન કંપનીના સંચાલકો દ્વારા કંપનીમાં રાખવામાં આવેલ કેમિકલનો જથ્થો સગેવગે કરી નાખ્યો છે, જેથી જ્યારે FSL અથવા GPCB દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે કેમિકલનો વધુ જથ્થો રાખવામાં આવ્યો હતો તે સાબિત ન થઈ શકે. 36 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સમગ્ર મામલે યોગ્ય તપાસ ન થતાં વટવા GIDC પોલીસ તેમજ વિવિધ એજન્સીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આધારભૂત સૂત્રો દ્વારા એવી પણ આશંકાઓ સેવવામાં આવી કે સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ જ કારણથી તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. જો કે સવાલ એ થાય કે વટવા GIDCમાં સમયાંતરે વિવિધ કંપનીઓમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે જો આવા બનાવોની નિષ્પક્ષ તપાસ ન થાય તો આવા આગના બનાવો કેવી રીતે રોકી શકાશે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
