રાજ્યભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિમિતે લોકો માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે. પરંતુ ધુળેટીમાં લોકો રંગોથી ઉજવણી નહીં કરી શકે. દર વર્ષે રાજયભરના શહેરોના સ્વામિનારાયણ મંદિર, હવેલી સહિતના મોટા મંદિરોમાં હોળી-ધુળેટીની સામૂહિક રંગોથી ઉજવણી થતી હોય છે.

શ્રધ્ધાળુંઓ ભગવાનને પણ ધુળેટીની રંગોથી રંગે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના ભયને કારણે અમદાવાદ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, વડતાલ હેઠળનું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, VYO શ્રીનાથધામ હવેલી, ઇસ્કોન મંદિર સહિતના મોટા મંદિરોમાં ધુળેટીની સામૂહિક ઉજવણી કરવામાં નહીં આવે. ભાવિકોને કોરોના ગાઈડલાઈન સાથે માત્ર દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા નહીં યોજવામાં આવે. જેથી આ વર્ષે ધૂળેટીની ઉજવણી ફિક્કી થશે.

મંદિરોમાં હોલી રસિયા કાર્યકમ મોકૂફ

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં વડોદરા, ભાવનગર, પાલિતાણા, રાજકોટ, પાવાગઢ સહિતના શહેરોમાં યોજાનારા કાર્યક્રમો હવે નહીં યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 21થી 27 માર્ચ દરમિયાન વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોલી રસિયાના કાર્યક્રમ કે જે વડોદરાના કારેલીબાગ, માંજલપુર, ભાવનગર, રાજકોટ સહિતના સ્થળોએ યોજવાના હતા. તે તમામ કાર્યક્રમો હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.

મંદિરોમાં ભક્તો માત્ર દર્શન કરી શકશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ગૌર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ તમામ ઉજવણીમાં સામાન્ય લોકોનો સમાવેશ માત્ર દર્શન પૂરતો જ સીમિત રહેશે. આ દરમિયાન માત્ર ભગવાનના વિગ્રહને રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઇસ્કોન મંદિરના વૈષ્ણવસેવા દાસજી મહારાજે જણાવ્યું છેકે આ વર્ષે અમે એ જ પ્રમાણે ધુળેટીની ઉજવણી કરવાના છીએ. ભક્તોની ગેરહાજરીમાં વિધીપૂર્વક ઉજવણી કરાશે.

મંદિરમાં ઓનલાઇન ઉજવણી થશે

કોરોના મહામારી પગલે શહેરમાં ભીડ એકઠી કરવી યોગ્ય ન હોવાથી તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે હોળીની ધાર્મિક વિધીઓમાં માત્ર પૂજારી અને મંદિરના મહંતો જ હાજર રહેશે. સાથે મંદિરમાં મેળાવડા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. બીએપીએસના સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું છેકે મંદિરમાં કોઈ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે 6થી 8:30 દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ સાથે હરિભક્તો ઘેરબેઠાં ભગવાનનું પૂજન કરીને ઉજવણી કરશે.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.