કોરોના મહામારીમાં વોરિયર્સની ભૂમિકા ભજવવામાં પોલીસે કોઇ કસર બાકી રાખી નહોતી. કોરોના સંક્રમિત વિસ્તારમાં જીવના જોખમે ફરજ બજાવી હતી. આજે આપણે વાત કરવી છે એક એવા પોલીસ પુત્રની. શહેરમાં પોલીસ કંટ્રોલરૂમમાં હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ ફરજ બજાવતા બજાવતા કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. કમનસીબી એવી આવી કે 3 દિવસની ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરંતુ તેના પુત્રએ હિમ્મત હાર્યા વગર દુઃખની ઘડીમા પિતાના મૃત્યુના ત્રીજા દિવસે NEETની પરીક્ષા આપી હતી. તેણે જણાવ્યું હતું કે, પિતાના અવસાનથી પરિવાર હજી પણ આઘાતમાં છે.

પુત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો
સપ્ટેમ્બર 2020માં જ્યારે રાજકોટમાં કોરોના પિક પોઇન્ટ પર એટલે કે એકાએક કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો. એ સમયે રાજકોટ પોલીસ કંટ્રોલરૂમમાં 11 જેટલા પોલીસ જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાના એક હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલનું કોરોનામાં 3 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પ્રદ્યુમનસિંહના પરિવારમાં એક પુત્ર અને પત્ની છે. પુત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો. પિતાના અવસાનના ત્રીજા જ દિવસે પુત્રની મહત્વની NEETની પરીક્ષા હતી. જે પુત્રએ હિમ્મત હાર્યા વગર પરીક્ષા આપી હતી અને 700માંથી 383 માર્ક પ્રાપ્ત કર્યા હતા. જોકે આ માર્ક તેના માટે ઓછા હતા.

                                             પિતાએ પુત્ર ડોક્ટર બને તેવું સપનું જોયું હતું.

પુત્ર – મારા પિતા તો જીવંત નથી તેનું સપનું પુરૂ કરીશ
પિતાના અવસાન બાદ ડિપ્રેશનમાં પુત્રએ પરીક્ષા આપી પરંતુ સરકારી કોલેજમાં પ્રવેશ માટે આ માર્ક ઓછા હતા. પ્રદ્યુમનસિંહના અવસાન બાદ સરકાર દ્વારા મૃતકના પરિવારને 25 લાખની સહાય આપવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ મદદ પુરી પાડવામાં આવી છે. ખુદ પોલીસ કમીશનર અંગત રીતે તેમના ઘરે જઇ પરિવારને દિલાસો પાઠવ્યો હતો.

લોકોને અપીલ કરું છું કે, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તેમના ભવિષ્યના અભ્યાસની ચિંતા કરી તેને સારી જગ્યા પર અભ્યાસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. સાથે જ તે ડોક્ટર બને એ સમગ્ર પોલીસ પરિવારનું સ્વપ્ન છે તેમ કહી આશ્વાસન પૂરું પાડ્યું હતું.

પુત્રનું કહેવું છે કે, પિતાની છત્રછાયા સામે સહાય શૂન્ય છે, મેં મારા પિતા ગુમાવ્યા છે પરિવારનો માળો વિખાયો છે માટે દરેક લોકોને અપીલ કરું છું કે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે અને જ્યાં સુધી દવા ન મળે ત્યાં સુધી પોતાનું અને પરિવાર તેમજ સ્વજનોની કાળજી રાખે.

                             પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

લોકડાઉન અને અનલોકમાં પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી
ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં જાહેર થયા બાદ રાજકોટ પોલીસ, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. રાજકોટમાં પ્રથમ કેસ પોઝિટિવ જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ કરવા, પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ કરી ક્વોરન્ટીન કરવા તેમજ લોકડાઉન અને અનલોક દરમિયાન સતત પોલીસ જવાનો અને અધિકારીઓ ખડેપગે રહેતા હતા.

આ સમય દરમિયાન રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમની પણ મહત્વની ભૂમિકા રહી હતી કંટ્રોલરૂમની અંદરથી સતત CCTV કેમેરા મારફત મોનીટરિંગ કરી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવતી હતી.

                              પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

260 જેટલા પોલીસ કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા
કોરોના મહામારીએ દેશ-દુનિયાને હચમચાવી નાખી છે. ગુજરાત રાજ્ય અને રાજકોટમાં પણ તેની મોટી અસર જોવા મળી છે. કોરોનાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. છતાં સંક્રમણ સતત વધતું નજર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજકોટપોલીસે શરૂઆતથી જ પ્રશંસનીય કામગીરી કરી છે. અત્યાર સુધીમાં રાજકોટ પોલીસના 260 જેટલા પોલીસ કર્મચારી-અધિકારી કોરોના સંક્રમિત થયા છે.

કોરોના મહામારી, લોકડાઉન, અનલોક અને હવે રાત્રિ કર્ફ્યુમાં પોલીસે જનતાની સુરક્ષા માટે પોતાની ફરજ નિષ્ઠા બજાવી રહી છે. ગત તારીખ 12 સપ્ટેમ્બર 2020ના રોજ રાજકોટ પોલીસ પરિવારના કોરોના વોરિયર્સ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ સંક્રમિત થયા બાદ અવસાન પામ્યા હતા.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.