ગયા વર્ષે માર્ચ 2020ના બીજા સપ્તાહમાં, ગુજરાતમાં કોરોના મહામારીના મંડાણ થયા તેને એક વર્ષ થયું છે. હજુ ય આ મહામારીનો નીવેડો ક્યારે આવશે તેનો કોઈ નિશ્ચિત જવાબ નથી. પરંતુ વિતેલા વર્ષમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કાબિલેતારિફ કામગીરી જો કોઈની રહી હોય તો એ રાજ્યભરના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સહાયક કર્મીઓને જ ગણવા પડે.

જ્યારે કોરોનાના નામમાત્રથી પસીનો છૂટી જતો હતો, શું સારવાર કરવી તેની વિશ્વભરમાં કોઈને ખબર ન હતી, કેવી તકેદારી રાખવી એ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા સુદ્ધાં પ્રયોગો કરી રહી હતી એવા મુશ્કેલ સમયે પણ જાનની પરવા કર્યા વગર દર્દીઓને સાજાં કરનાર આરોગ્યકર્મીઓએ વીતેલા વર્ષના અનુભવો વર્ણવ્યા હતા.
સિવિલના D-9થી શરૂ થયુ કોરોના સામેનું યુદ્ધ
ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસના D-9 વોર્ડમાં કોરોનાના પ્રથમ શંકાસ્પદ કેસની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે 4 ફેબ્રુઆરીએ D-9 માં થાઇલેન્ડથી આવેલ આ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને ન્યુમોનિયા ડિટેક્ટ થયેલ હોવાનું જણાયુ હતુ. ત્યારબાદ રાજ્યમાં સૌથી પહેલો કોરોના પોઝિટીવ કેસ રાજકોટમાં મળી આવ્યો અને પછી તો દિવસે દિવસે કોરોનાના કિસ્સા વધવા લાગ્યા, જેના કારણે રાજ્યમાં કોરોના માટે સિવીલ કેમ્પસ સ્થિત 1200 બેડની હોસ્પિટલ ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવી.

7 એપ્રિલે શરૂ થઇ હતી રાજ્યની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ
19 માર્ચે પહેલો કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યા બાદ તાકિદના ધોરણે અમદાવાદની સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી. એ દિવસ હતો 7 એપ્રિલ, 2020. જ્યાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. એ પછી અમદાવાદની એસ.વી.પી હોસ્પિટલ અને રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટેની વ્યવ્સ્થા ઉભી કરવામાં આવી. જેમાં રાજ્યના મહાનગરોની સિવીલ તથા કોર્પોરેશન સંચાલિત હોસ્ટિલમાં ખાસ ભાર મુકવામાં આવ્યો. શરૂઆતના દિવસોમાં વિદેશથી આવેલા દર્દીઓને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં પણ રાખવામાં આવ્યા હતા.
700થી વધારે હોસ્પિટલ, કેર સેન્ટર ઉપયોગમાં લેવાયા
રાજ્યમાં સમય જતાં જેમ-જેમ કોરોનાના કિસ્સા વધતા ગયા, તેમ-તેમ હોસ્પિટલો અને હેલ્થ સેન્ટર ઉપયોગમાં લેવાતા ગયા. અત્યાર સુધી રાજ્યમાં કુલ 738 સ્થાન પર, જેમાં 419 હોસ્પિટલ અને 319 કોવિડ કેર, જેમ કે હોટલ અને હોસ્ટેલનો ઉપયોગ કરવામાં આવ્યો.
સમયાંતરે કોરોના સારવાર માટેની ગાઇડ લાઇનમાં ફેરફાર આવ્યા. જેમાં લક્ષણો ન ધરાવતા અથવા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવતી..જે બાદ ધનવંતરી રથ અને સંજીવની રથે ડોક્ટરોના કામનું ભારણ ઓછુ કર્યું.

રાજ્યમાં કુલ 52 આરોગ્યકર્મી શહિદ થયા હતા
કોરોનાની સારવાર દરમિયાન દર્દી સાથે સીધા સંપર્કમાં આવવાથી 52 હેલ્થ વર્કરે પોતાનો જીવ ગુમાવ્યો, જેમાં તબીબ, નર્સ તથા અન્ય કર્મચારીઓ કે જેઓ સીધી રીતે કોરોનાની સારવારમાં જોડાયેલા હતા. જ્યારે રાજ્યભરમાં કુલ 4442 તબિબોની સાથે અન્ય આરોગ્ય વિભાગનો અન્ય સ્ટાફ કોરોના સંક્રમિત થયો. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના 524 આરોગ્યકર્મીઓ સંક્રમિત થયા. કુલ 52 આરોગ્યકર્મીઓએ દર્દીની સારવારનું જોખમ વ્હોરીને પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
વીતેલા વર્ષ દરમિયાન તબિબો અને અન્ય આરોગ્યકર્મીઓને પરિવારજનો સાથે એકેય તહેવાર ઉજવવાની તક ન મળી. આ અંગે સિવિલ હોસ્પિટલના ડો. કમલેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે,
‘ભારે કપરાં સંજોગો છતાં પોતાની ફરજ પર અડગ રહેલાં કર્મચારીઓને પરિવારજનો ફોન કરીને પૂછે કે ઘરે ક્યારે આવશે ત્યારે સૌ કોઈ ભાવુક બની જતાં હતાં. કેટલાંક કિસ્સામાં ફોન પર પરિવારજનો રડી પડતાં હતાં.’

પરસેવે રેબઝેબ થઇ PPE કિટમાં 1 થી 4 કિમી સુધી ફરીને તબિબોએ ફરજ નિભાવી
કોરોના સંક્રમિતની સારવાર કરી રહેલાં તબીબોએ પીપીઈ કિટ પહેરવી ફરજિયાત હતી. PPE કિટ પહેરીને હોસ્પિટલમાં કામ કરવું એ સૌથી મોટો પડકાર હતો. 1200 બેડની હોસ્ટિલમાં 25 વોર્ડ હતાં, જ્યાં ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ ઉનાળાની આકરી ગરમીમાં PPE પહેરી દર્દીની સારવાર કરી રહ્યાં હતાં.
PPE કિટના કારણે ડિ-હાઇડ્રેશન અને યુરિન ઘટી જવાની સ્થિતિ સર્જાતી હતી. મોટી હોસ્પિટલ હોવાથી એક સ્થાન પરથી બીજા સ્થાને PPE કિટમાં જ મુવમેન્ટ કરવી પડતી, જેથી તબીબ સહિતના સ્ટાફને PPE કિટમાં જ રોજ 1 થી 4 કિમી ચાલવાનું થતુ. એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં જ સેવા આપતા, એટલે કે રોટેશન પ્રમાણે કામગીરી ચાલતી હતી.
મોટો પ્રશ્ન હતો કે ઇલાજ કરવો કેવી રીતે
કોરોના મહામારીના આરંભિક દિવસોમાં ઈલાજ અંગેની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ન હતી. એ સંજોગોમાં દર્દીની સારવાર કેમ કરવી તે મોટો પડકાર હતો. જોકે કેન્દ્ર સરકારની સૂચના અને નિર્દેશ અનુસાર શરૂઆતના સમયમાં હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન દવા ઉપયોગમાં લેવાતી. સાથે સાથે પેરાસિટામોલ, એઝિથ્રોમાયસિનની સાથે સાથે રેમડેસિવીયર, ફેવિપીરાવીર, સ્ટેરોઇડની સાથે એઇડ્સના રોગમાં વપરાતી દવા, વગેરે જેવી દવાની મદદથી દર્દીને સાજા કરવાના પ્રયાસ કરવામાં આવતા. એ પછી પ્લાઝમાં થેરાપી પણ અસ્તિત્વમાં આવી. જોકે આ તમામ સારવારની સમાંતરે આયુર્વેદિક પદ્ધતિ થકી દર્દીને સાજો કરવાના પ્રયાસોને પણ સારા પરિણામ મળ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 70 હજારથી વધુએ મેળવી સારવાર
રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,88,649 કેસ અને 4,454 દર્દીના મોત થયા છે, જ્યારે 2,76,348 દર્દી ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. ગત વર્ષે રાજ્યમાં 27 નવેમ્બરે સૌથી વધુ 1,607 કેસ નોંધાયા હતા, જે બાદ બરોબર કોરોના સંક્રમણના એક વર્ષ બાદ રાજ્યમાં એક દિવસમાં સૌથી વઘુ 1640 કેસ 22 માર્ચે નોંધાયા હતાં. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યાર સુધી સારવાર મેળવી ચૂકેલ દર્દી પૈકી 65 ટકા પુરુષ જ્યારે 35 ટકા મહિલા દર્દીનો સમાવેશ થાય છે.
ગત વર્ષે નવેમ્બર માસમાં રાજ્યમાં સૌથી વધુ 40,959 કોરોના પોઝિટીવ કિસ્સા સામે આવ્યા હતા. સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટલમાં અત્યાર સુધી કોરોનાના 70 હજાર દર્દીઓએ સારવાર મેળવી ચૂક્યા છે. જ્યારે કોરોના પિક પર હતો ત્યારે 1200 બેડની હોસ્પિટલમાં 3 શિફ્ટમાં 1500 આરોગ્યકર્મીઓનો સ્ટાફ ખડેપગે રહીને સેવા આપી હતી.

1289 સંક્રમિત સગર્ભાએ સારવાર લીધી
રાજ્યમાં 1280 મહિલા એવી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ હતું અને તે સગર્ભા હતી. તેમ છતાં ડોક્ટરોએ યોગ્ય રીતે સારવાર કરી હતી. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 174 સગર્ભા મહિલાઓનો ઇલાજ થયો.
જ્યારે રાજ્યભરમાંથી 2000થી વધુ કોરોના સંક્રમિત બાળકોની સારવાર થઇ, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 378 દર્દીઓની સારવાર થઇ. અમદાવાદની 1200 બેડની સિવિલ કોવિડ હોસ્પિટલમાં મે મહિનામાં 11.4 કરોડનો ઓક્સિજન વપરાયો. જ્યારે 5 કરોડના રેમડેસિવીર, 5 કરોડના ટોસિલીઝૂબેમ વપરાયા હતા.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
