કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ માટે ઓથોરિટી બનાવી પ્રથમ તબક્કે કુલ 7 આઈલેન્ડ ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને આંદામાન અને નિકોબાર ટાપુ જેવો વિકાસ કરવામાં આવે તેવી શક્યતા છે. જે માટેની કાર્યવાહી તેમજ રૂપરેખા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) કરી રહ્યું છે.

આ આઈલેન્ડ કોણ ડેવલપ કરશે, કોને કામ સોંપવામાં આવશે અને કેટલા આઈલેન્ડનો વિકાસ કરાશે તે સઘળી બાબતોનો નિર્ણય આ બોર્ડ દ્વારા લેવામાં આવશે.

આનંદીબહેનના કાર્યકાળમાં બજેટમાં જોગવાઈ કરી હતી
ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GIDA ડેવલપ થઇ શકે તેવા આઇલેન્ડને શોધીને તેને વિકાસ કરવાનો પ્લાન બનાવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે 2015-16માં તેના સામાન્ય બજેટમાં જોગવાઈ કરી હતી. એ સમયે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા. તેમના ગયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે ઝડપથી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

નીતિ આયોગે 7 આઈલેન્ડ વિકાસ માટે શોધી આપ્યા
ભારતના નીતિ આયોગે ગુજરાતમાં 144 જેટલા આઈલેન્ડ શોધી કાઢ્યા છે અને ગુજરાત સરકારને તેનો વિકાસ કરવા માટે ચોક્કસ નીતિ બનાવવાની ભલામણની સાથે 108 કરોડની જોગવાઈ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જેમાં 144 પૈકી 26 આઈલેન્ડ ખડકો અને દરિયાની વચ્ચે આવેલા છે.

આ તમામ આઇલેન્ડનો અભ્યાસ કર્યા પછી નીતિ આયોગે ગુજરાતને કુલ 7 આઇલેન્ડ પ્રથમ તબક્કામાં વિકાસ માટે શોધી આપ્યા હતા. જેમાં મામલિયા, મુર્ગા, બેટ શાંખોદર(બેટ દ્વારકા), પિરોટન, સવાઇબેટ, પિરામ અને આલિયાબેટનો સમાવેશ થાય છે.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ GIDBએ આ આઇલેન્ડના વિકાસ માટેનો અભ્યાસ કર્યો છે અને હાલ રિપોર્ટ ફાઇનલ સ્ટેજ પર હોવાનું જાણવા મળ્યું છે. આ બોર્ડે વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ પણ કરી દીધો છે.

બંદરથી કનેક્ટિવિટી જેવા મુદ્દાઓનો અભ્યાસ કરાશે
પ્રવાસન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, સરકારે જે ઓથોરિટી બનાવી છે તે પ્રવાસન વિકાસ, આઈલેન્ડમાં સલામતી વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, બંદરથી કનેક્ટિવિટી અને બાયો ડાયવર્સિટી જેવા મુદ્દાઓનો અભ્યાસ કરશે. ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો મળ્યો છે. આ દરિયામાં આઈલેન્ડને આંદામાન અને નિકોબારની જેમ વિકસાવવાનો સરકારનો પ્લાન છે.

પ્લાન સફળ થયો તો આઈલેન્ડ માટે બહુ દૂર નહીં જવું પડે
જો આ પ્લાન સફળ થાય તો ઉનાળામાં લોકોને બહુ દૂર જવું પડશે નહીં, કારણ કે આ આઈલેન્ડ પર જવા માટે બોટ મોજૂદ હશે. આઇલેન્ડ પર પર્યાવરણીય જતન સાથેની હોટલ્સ અને મોટલ્સ મળશે.

ગુજરાતમાં માત્ર દરિયામાં જ ટાપુઓની સાથે સાથે કેટલીક નદીઓની વચ્ચે પણ આઇલેન્ડ જેવી ખૂબસુરત જગ્યાઓ છે. આઇલેન્ડની પ્રક્રિયામાં નદીઓના આ આઈલેન્ડનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે.

જામનગરના પિરોટન, દ્વારકા, પોરબંદર, આલિયાબેટ, મિયાણી, ઓખા, માધવપુર અને નર્મદા નદીની નજીકના પ્રખ્યાત કબીરવડનો પ્રથમ તબક્કે વિકાસ કરવામાં આવશે.

ટાપૂ પર વૃક્ષો અને પરવાળા અગત્યના
પિરોટન ટાપૂ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપૂ પર લીમડો, કાથી, આંબળા, બાવળ જેવા વૃક્ષો અને ચેરના વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપૂ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરેને કારણે ટાપૂના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે.

સુરક્ષાની દ્રષ્ટિએ પિરોટન ટાપુ ગંભીર મુદ્દો
બેટદ્વારકા ટાપુ પર વિકાસ થતા ધંધારોજગાર ધમધમતા થશે અને યાત્રિકોને તમામ સુવિધા મળી રહેશે. પરંતુ પિરોટન ટાપુનો મરીન નેશનલ પાર્કમાં સમાવેશ થાય છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પિરોટન ટાપુ ગંભીર મુદ્દો છે. તો બીજી બાજુ દરિયામાંથી બોટ વાટે પહોંચવુ પડે છે. તો દરિયામાં તિથિ પ્રમાણે ભરતી અને ઓટ આવે છે.

જો પિરોટન ટાપુ વિકસે તો ક્યારે અને કઇ તિથિએ પ્રવાસીઓને પિરોટન ટાપુ પરપહોંચવુ તે સમયનો એક પ્રશ્ન ઉભો થશે. આમ પિરોટન ટાપુ પર પ્રથમ દ્રષ્ટિએ વિકસાવવાની વાત બંધબેસતી નથી.

સિગ્નેચર બ્રિજ બનતા બેટ દ્વારકાનો વિકાસ થશે
હાલ ઓખાથી બેટદ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજ બનતા બેટ દ્વારકા ટાપુ ધમધમતો થશે.તો બીજી બાજુ સરકાર દ્વારા આ ટાપુ વિકસાવા જાહેરાત પણ કરાઇ છે. જેથી બેટ દ્વારકા ટાપુ પર જમીનના ભાવો પણ અત્યારથી વધવા લાગ્યા છે.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.