રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ એ કોઈનાથી છૂપી નથી. દિલ્હીમાં જેમ જેમ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ હોસ્પિટલ્સમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. દિલ્હીમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં માત્ર 20 ICU અને વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે. દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ બદતર બની રહી છે. દરરોજ 20 હજારથી વધુ સંક્રમિત મળી રહ્યાં છે.

આ વચ્ચે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે. જેમાં દિલ્હીમાં જરૂરિયાત મુજબ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાની માગ કરવામાં આવી છે. સાથે જ કહ્યું છે કે અહીં DRDOએ જે રીતે એક હોસ્પિટલ બનાવી છે તેવી જ રીતે હોસ્પિટલ બનાવવામાં સરકાર અમારી મદદ કરે. બે દિવસ પહેલાં, એટલે કે શનિવારે જ હાઈકોર્ટે દિલ્હીમાં ઓક્સિજન સપ્લાઈ, બેડ અને દવાઓની ઉણપને લઈને એક અરજી પર સુનાવણી કરી હતી.

આ દરમિયાન કોર્ટે કેજરીવાલ સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે જ કહ્યું હતું કે કોવિડનો સામનો કરવા માટે તેઓએ સેનાની મદદ કેમ ન લીધી. જે બાદ જ દિલ્હી સરકાર તરફથી કેન્દ્ર સમક્ષ મદદ માગવામાં આવી છે.

આ ઉપરાંત દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ સેના માગી હોવાની જાણકારી પણ હાઈકોર્ટને આપી છે. ત્યારે હાઈકોર્ટે કેન્દ્રને તાત્કાલિક જવાબ આપવાનું કહ્યું છે. આ અંગે કોર્ટમાં હાજર એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું કે તેઓ આ સંબંધે કેન્દ્ર પાસેથી નિર્દેશ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *