અમેરિકાના ટોચના ડોકટર અને વ્હાઈટ હાઉસના મેડિકલ સલાહકાર ડૉક્ટર એન્થોની ફાઉચી (Dr Anthony S Fauci)એ ભારતને કોરોનાનુ સંક્રમણ રોકવા માટે ત્રણ સૂત્રીય ફોર્મ્યુલા પર કામ કરવા માટે સૂચન કર્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવે, વ્યાપક સ્તર પર લોકોને કોરોનાની રસી મુકવામાં આવે.સાથે સાથે મોટી સંખ્યામાં હંગામી હોસ્પિટલો બનાવવાની જરુર છે. ભારત સરકારે સેનાની મદદ લેવી જોઈએ. રાતોરાત હોસ્પિટલ બનાવવા માટે સેનાની સહાયતા લેવાથી ફરક પડી શકે છે.

ડો.ફાઉચીએ કહ્યુ હતુ કે,ચીનમાં ગયા વર્ષે કોરોનાની ગંભીર સમસ્યા હતી ત્યારે તેણે પોતાના તમામ રિસોર્સિસને હોસ્પિટલો બનાવવા માટે કામે લગાડયા હતા. જેથી તમામ લોકોને સારવાર મળી શકે.ભારતે પણ સેનાની મદદથી ફિલ્ડ હોસ્પિટલ બનાવવા જોઈએ. આ પ્રકારની હોસ્પિટલો યુધ્ધ દરમિયાન તૈયાર થતી હોય છે. જેથી લોકોને બેડ મળી શકે. મને આશા છે કે, ભારત સરકાર તેના પર કામ કરી રહી હશે.

તેમણે કહ્યુ હતુ કે, જ્યારે આટલા બધા લોકો એક સાથે સંક્રમિત થાય અને બેડથી માંડીને ઓક્સિજનની અછત સર્જાય તે પરિસ્થિતિ ચોક્કસ પણે નિરાશાનજક હોય છે. આવામાં ભારતને અમેરિકા સહિતના બધા દેશોએ મદદ કરવા માટે આગળ આવવુ જોઈએ.રસીકરણ માટે ભારતે તમામ દેશોની રસીનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ફરી કહ્યુ હતુ કે, કેટલાક સપ્તાહ માટે ભારતે લોકડાઉન લાગુ કરવુ જોઈએ. તેનાથી સંક્રમણની ચેન તુટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *