પાણી પુરવઠા વિભાગે પૂરુ પાડેલ પાણીના કરોડોના બિલ બાકી

             

મહેસાણા સ્થિત પાણી પુરવઠા કચેરી હેઠળ આવતી નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો અને પરાઓ પીવાનું શુદ્ધ પાણી તો મેળવે છે પણ પાણી પુરવઠા વિભાગને પાણી ના બીલ ચુકવવામાં ઠેંગો બતાવી રહ્યા છે.

નર્મદા કેનાલ આધારીત જૂથ યોજના અને ધરોઈ ડેમ આધારીત જૂથ યોજના હેઠળ શહેર અને ગામડાંઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ પીવાના શુદ્ધ પાણીના બીલ પાણી આવશ્યક સેવા હોવાથી કડક પણે વસુલી શકતી નથી અને તેના કારણે પાણી પુરવઠા બોર્ડના દફતરે રૂપિયા ૧૬૦.૪૦ કરોડ રૂપિયા પાણી બીલના બાકી બોલી રહ્યા છે.

ગુજરાત સરકાર રાજ્યની તમામ નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો અને પરાંઓને પીવાના શુદ્ધ પાણી ની સગવડ મામુલી કિંમતે આપી રહી છે. ગામડાંમાં ૧૦૦૦ લીટર ના ફક્ત ૨ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૧૦૦૦ લીટર ના ફક્ત ૪ રૂપિયાની કિંમતે શુદ્ધ પાણી આપવામાં આવે છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડના માધ્યમથી મહેસાણા જીલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી નર્મદા અને ધરોઈ યોજના હેઠળ આપવામાં આવે છે.

નર્મદા જૂથ યોજના હેઠળ મહેસાણા, ચાણસ્મા અને કડી નગરપાલિકાઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે છે. જયારે ૩૫૧ ગામ અને ૧૨૧ પરાંઓને પણ નર્મદા યોજનાથી પાણી આપવામાં આવે છે. પરંતુ મહેસાણા નગરપાલિકાને બાદ કરતા તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થા એવી નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો પાણીના બીલ ચુકવતી જ નથી. આ કારણે નર્મદા વિભાગના બાકી બીલ નગરપાલિકાઓના ૧૦.૦૬ કરોડ, ગ્રામ પંચાયતોના ૫૧.૩૨ કરોડ સહીત કુલ ૬૧.૯૯ કરોડ રૂપિયા નર્મદા વિભાગમાં બાકી છે.

મહેસાણા સ્થિત પાણી પુરવઠા બોર્ડ કચેરી માં નર્મદા જૂથ યોજનાની જેમ જ ધરોઈ જૂથ યોજનામાં પણ કરોડો રૂપિયા પાણી બીલના બાકી છે. ધરોઈ જૂથ યોજનામાં ઊંઝા, ખેરાલુ, વિસનગર અને વડનગર પાલિકાઓને પીવાનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત ૨૫૨ જેટલા ગામડાં અને ૧૮૪ પરાંને પણ ધરોઈ યોજના માંથી પીવાનું પાણી આપવામાં આવે છે. ત્યારે ધરોઈ જૂથ યોજનામાં ગ્રામ પંચાયતોના ૫૪.૭૫ કરોડ રૂપિયા બાકી બીલ પાણી પુરવઠા બોર્ડના દફરતે બોલી રહ્યા છે.

આ સ્થિતિમાં નગરપાલીકાઓના પણ ૪૪.૪૮ કરોડ રૂપિયા પાણી બીલના બાકી બોલી રહ્યા છે. આમ નગરપાલિકાઓની સાથે ગ્રામ પંચાયતોના પાણી બીલના કરોડો રૂપિયા બાકી બોલી રહ્યા છે. ગુજરાત સરકારના વિકાસની વાત કરીએ તો વિકાસ કામો તો બહુ થાય છે અને તેના બીલો પણ ચૂકવાઈ જાય છે. પણ પાણી બીલના નાણા ચુકવવા ની વાત આવે તો નગરપાલિકાઓ કે ગ્રામ પંચાયતો પાણી બીલના નાણા ચુકવતી નથી. આથી વર્ષો વીતવાની સાથે જ પાણી બીલના બાકી રૂપિયા ખડકલો થવા લાગ્યો છે અને મહેસાણા પાણી પુરવઠા બોર્ડ ના ૧૬૦.૪૦ કરોડ રૂપિયા બાકી બીલ થઇ ગયા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.