ઉકળાટ વધતા માટીના માટલાઓના વેચાણમાં સડસડાટ વૃધ્ધિ નોંધાઈ
– ઉનાળો જામતો જશે તેમ કુંભારવાડામાં ધમધમાટ જારી રહેશે
– ગત વર્ષે કોરોનાના લોકડાઉનમાં ઉત્પાદકો અને વિક્રેતાઓને ભારે નુકશાની વેઠવી પડી હતી

ભાવનગર : ધોમ ધખતી ગરમીની શરૂઆત થવાની સાથે જ ભાવનગર સહિત ગોહિલવાડમાં ઠેર-ઠેર માટીના દેશી માટલાઓના હાટડાઓ મંડાયા છે. એટલુ જ નહિ ગરમી વધતા શહેરના કુંભારવાડાઓમાં માટીના અવનવા એક એકથી ચડીયાતા માટલાઓના ઉત્પાદન, વેચાણ અને ખરીદીની પ્રક્રિયામાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે જાહેર કરાયેલા લોકડાઉન અને અનલોકના સમયગાળા દરમિયાન કુંભારવાડાના માટલાના ઉત્પાદકો તેમજ વિક્રેતાઓને માંગ અને વેચાણ સાવ ઠપ્પ રહેતા નવરાધૂપ રહેવુ પડયુ હતુ. જયારે આ વર્ષે લોકડાઉન ન જાહેર કરાતા ઉત્પાદકો અને વિક્રેતાઓને થોડો ઘણો વેપાર થવાની અને કમાણી થતા ખર્ચા નિકળી જશે તેવી આશા બંધાઈ છે. શહેરના કરચલીયાપરા, મફતનગર સહિતના અનેક વિસ્તારોમાં ગરીબ અને મધ્યમવર્ગ રહેતો હોવાથી મોટા ભાગના પરિવારો મજુરીકામમાં સંકળાયેલા હોય તેઓના ઘેર ફ્રિજ પોષાય તેમ નથી. આવી સ્થિતીમાં અત્યારની કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી પીવાનું તેઓ માટે એકમાત્ર પરંપરાગત માટલાઓ જ એક માત્ર હાથવગુ અને ગજામાં હોય તેવુ સાધન રહ્યુ છે. તેથી ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ,કુંભારવાડા,કાળીયાબીડ,સંસ્કારમંડળ સહિતના અનેક વિસ્તારોમાં ચોતરફ રાજસ્થાની, થાનના અને દેશી માટલાઓના વેચાણકેન્દ્રો ધમધમી રહ્યા છે. અને ગરમી વધતા માટલાની માંગ વધતા તે શ્રમિકોમાં ઉત્સાહ પણ વધ્યો છે. કુંભારવાડાઓના અલગ અલગ વાડાઓ મળીને અત્રે હજારો માટલાઓ બનાવાય છે.સામાન્ય રીતે સુરેન્દ્રનગરના થાનની માટીના માટલાઓ વખણાય છે તેથી ત્યાંથી પણ ઢગલાબંધ માટલાઓ ટ્રક ભરીને ગોહિલવાડમાં મોકલાઈ રહ્યા છે. ભાવનગરના ઘણા ઉત્પાદકો નારી ગામના તળાવમાંથી માટીનો માલ મંગાવતા હોય છે. ઉડીને આંખે વળગે તેવી ડિઝાઈન, એક એકથી ચડીયાતા રંગબેરંગી ચિત્રામણ તેમજ મજબુતાઈ તેની ખાસ વિશેષતા હોવાથી ગ્રાહક તેને જોતાવેત જ ખરીદવા આકર્ષાઈ જાય છે.થાનના માટલાઓ લાલ માટલા કરતા પ્રમાણમાં મોંઘા હોવાથી ખાસ કરીને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોને જ તે પોષાય છે. જયારે થાનનું માટલુ તેની મનોહર ડિઝાઈન,આકાર અને ગુણવત્તાને લઈને અંદાજે રૂા ૧૫૦ થી લઈને ૪૦૦ આસપાસના ભાવે રીટેઈલમાં વેચાય છે. ગૃહિણીઓમાં રાજસ્થાનના સફેદ માટલાની માંગ વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. પેટ્રોલીયમ પેદાશમાં થઈ રહેલા ભાવવધારાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને મજુરીના દર પણ વધતા જતા હોય આ માટલાઓના ભાવમાં અંદાજે રૂા ૨૦ થી ૨૫ નો વધારો ઝીંકાયો છે.આ સીઝનેબલ વ્યવસાય ઉનાળામાં ખાસ ધમધમતો હોય છે. જયારે ચોમાસામાં અને શિયાળામાં આ વ્યવસાય ઠંડો પડી જાય છે. બાકી લગ્નગાળાની સીઝન વૈશાખમાં અને ચૈત્રી નોરતામાં તેનું વેચાણ વધતુ હોય છે.
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ અમરેલી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.