ભારત ફરી એક વખત ગયા વર્ષની માફક કોરોના વાયરસ સંકટના એ જ સમયમાં ફરી પ્રવેશતું જણાઈ રહ્યું છે. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને શહેરોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવો ડર વ્યાપી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જઈ રહ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા પ્રતિબંધો વચ્ચે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. દિલ્હી, પુણે સહિત અન્ય વિસ્તારના પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જવા લાગ્યા છે.

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરતા જોવા મળી રહ્યા છે. બિહારના કેટલાક મજૂરોએ જણાવ્યું કે, પાછલી વખતે લોકડાઉનમાં તેઓ દિલ્હીમાં ફસાઈ ગયા હતા પરંતુ આ વખતે તેમ ન બને તે માટે તેઓ પહેલેથી જ પોતાના ઘરે જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય પણ અન્ય કેટલાય પ્રતિબંધો મુકવામાં આવેલા છે. તેમ છતા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી પ્રવાસી મજૂરોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે.

દિલ્હીથી દૂર મહારાષ્ટ્રના પુણેમાં પણ આવી જ સ્થિતિ છે. પુણેના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ગામ, શહેર તરફ જઈ રહ્યા છે. રેલવેના કહેવા પ્રમાણે ભારે ભીડ હોવા છતા તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે કામ કરી રહ્યા છે અને નિયમોનું પાલન થઈ રહ્યું છે.

ફરી લોકડાઉનનો ડર

ઉલ્લેખનીય છે કે, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, યુપી જેવા અનેક રાજ્યોએ શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દીધો છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તો વીકેન્ડ લોકડાઉન પણ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રાયપુરમાં તો સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી જેથી લોકોને ફરી લોકડાઉનનો ભય લાગી રહ્યો છે.

ગત વર્ષે અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે લાખો મજૂરો શહેરોમાં ફસાઈ ગયા હતા. ત્યાર બાદ રસ્તાઓ પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ પોતાના ગામ પરત ફરતી જોવા મળી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.