અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ભગવાનનું મામેરું કરવાનો અવસર પણ નસીબદારને જ મળે છે. અનેક લોકો મામેરું કરવા ઈચ્છે છે. વર્ષો સુધી રાહ જોયા બાદ જ નંબર આવે છે. શહેરના સરસપુરમાં ઠાકોર પરિવાર ભગવાનનું મામેરું કરવા છેલ્લાં 50 વર્ષથી પ્રયત્નશીલ હતો, ત્યારે આ વર્ષે નંબર આવ્યો છે. આટલા લાંબા સમય બાદ ભગવાનના મામેરા માટે નંબર આવતાં પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી.

મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવશે. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ રણછોડજી મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં હતા અને અંતે આ વર્ષે નંબર આવ્યો. આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે ત્યારે મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. મામેરું કરનાર પરિવારને 35 પાસ પણ બનાવી આપવામાં આવશે. પાસ આપવામાં આવ્યા છે તે વ્યક્તિઓ જ મામેરા સમયે હાજર રહી શકશે.

મામેરાનો અવસર મેળવનાર મહેશભાઈ ઠાકોર.
મામેરાનો અવસર મેળવનાર મહેશભાઈ ઠાકોર.
મામેરું કરનાર યજમાન મહેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અમે વર્ષોથી સરસપુરમાં રહેતા હતા. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે અમને મામેરું કરવાની ઈચ્છા થતી હતી. છેલ્લાં 50 વર્ષથી મારા પિતા પ્રયત્ન કરતા હતા. મંદિરના ટ્રસ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને મામેરા માટે નામ આપેલું હતું, પરંતુ છેલ્લાં 4-5 વર્ષથી ચિઠ્ઠીઓ ઉછાળીને નામ પસંદ કરવામાં આવતું હતું, જેમાં આ વર્ષે અમારું નામ ખૂલ્યું હતું. મામેરું કરવા મળશે એવી વાત સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા છે.

આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો અવસર મળ્યો છે ત્યારે મામેરામાં કોઈ કચાશ નહીં રહે. અમે મામેરા માટે મહારાષ્ટ્રિયન વસ્ત્રો અને દર વર્ષની જેમ આભૂષણ તૈયાર કરાવ્યા છે. ઘરે પણ પૂરેપૂરી તૈયારી કરવામાં આવી રહી છે. અમારા સેટેલાઇટ ખાતેના નિવાસસ્થાને 6 જુલાઈએ ભગવાનને લાવવામાં આવશે અને તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે. એ બાદ ભગવાનને ઘરમાં બિરાજમાન કરાશે. આ દરમિયાન લોકો મામેરાનાં દર્શન કરી શકે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રા નીકળે અને ભગવાન આવે તો તેમને વધાવીશું અને ના નીકળે તો નિજમંદિર ખાતે આવીને મામેરું કરીશું.

આ વર્ષે કોરોનાને કારણે અમે તમામ ગાઈડલાઇન્સનું પાલન કરીશું. ભલે કોરોના હોય, પરંતુ પરંપરાગત રીતે નીકળતું મામેરું ભરીશું. ભગવાન જ્યારે રથયાત્રાના દિવસે મોસાળે આવશે ત્યારે અમે ત્યાં પણ તેમનું સ્વાગત કરીને મામેરું કરીશું. મંદિર તરફથી 35 પાસ બનાવી આપવામાં આવશે. રથયાત્રા નીકળે અને ભગવાન આવે તો તેમને વધાવીશું અને ના નીકળે તો નિજમંદિર ખાતે આવીને મામેરું કરીશું. આટલા વર્ષે નંબર આવ્યો હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ છે. જીવનનો સૌથી મોટો પ્રસંગ હશે, જે માટે તમામ તૈયારી અમે કરી લીધી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *