સુરત : દેશમાં કેન્દ્ર સરકારે 7 મેગા ટેક્સ્ટાઈલ પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જેમાંથી એક પાર્ક ટેક્સ્ટાઈલનું હબ ગણાતા સુરતને મળે તેવી માંગ બુલંદ બની છે. સુરતની ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉભરાટની આસપાસ જો એક હજાર એકર કે તેથી વધુ પડતર જગ્યા હશે તો મેગા ટેક્સ્ટાઇલ પાર્ક માટે રીઝનેબલ રેટથી ઉપલબ્ધ કરાવાશે.

કેન્દ્રીય કાપડપ્રધાન પદે દર્શના જરદોશની નિમણૂક બાદ સુરતમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રની માળખાગત સુવિધાઓ વધારવા અને વર્ષો જૂની માંગણીઓનું લિસ્ટ ફરી ખોલવામાં આવ્યું છે. સરકારની જુદી-જુદી યોજનાઓનો લાભ સુરતના ઉદ્યોગકારોને મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાતા તેઓ ઉભરાટની આસપાસ પાલિકાની પડતર જમીન અંગે તપાસ કરાવી રહ્યા છે. જો મેગા ટેક્ષટાઇલ પાર્કને અનુકૂળ હોય તેવી પડતર જમીન ઉપલબ્ધ હશે તો તેઓ રિઝનેબલ રેટથી ચેમ્બર ઓફ કોમર્સને જાણ કરશે.


તે જ રીતે જિલ્લા કલેકટર દ્વારા પણ આ અંગે હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. દેશમાં કાપડ ઉદ્યોગના ઉત્પાદન અને નિકાસને વેગ આપવા કેન્દ્ર સરકાર 7 મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, દેશમાં 7 ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે, જેથી ભારત આ ક્ષેત્રમાં નિકાસકાર દેશ બને. આ પાર્ક ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે. કાપડ મંત્રાલયે સાત મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ (MITRA) પાર્કની સ્થાપનાની દરખાસ્ત કરી હતી. તેઓ કાપડ ઉદ્યોગના વ્યવસાયને લગભગ 22 હજાર કરોડ રૂપિયા સુધી વધારવાનો ઇરાદો ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page