વડોદરા જિલ્લા એસઓજી પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ છેલ્લા એક મહિનાથી ગુમ છે. સ્વીટી પટેલ 6 જૂનના રોજ કોઈ કારણોસર પોતાના 2 વર્ષના પુત્રને ઘરે મૂકી કોઇ કારણોસર જતાં રહ્યાં હતાં. આ મામલે PI ના સાળાએ કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂનના રોજ જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ 24 દિવસ બાદ પણ કરજણ પોલીસ સ્વીટી પટેલને શોધી શકી નથી.
હવે, ગાંધીનગર તરફથી સૂચના મળ્યા બાદ ડીઆઈજી અને એસપી સહિતનો કાફલો કરજણ દોડ્યો છે. એસપીએ કરજણ પોલીસ પાસેથી તપાસ લઇને ડીવાયએસપીને સોંપી છે. પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે સ્વીટી પટેલના પતિ પીઆઇ અજય દેસાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ નોંધાવી નથી.
એસઓજીના પીઆઈ અજય દેસાઇ વડોદરા રેંજ સાયબર ક્રાઇમનો ચાર્જ પણ સંભાળે છે
ઉલ્લેખનીય છે કે એસઓજીના પીઆઈ અજય દેસાઇ વડોદરા રેન્જ સાયબર ક્રાઇમનો ચાર્જ પણ સંભાળે છે. પી.આઇ.ના સાળા દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને સ્વીટીબેનને શોધવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યા છે.
સ્વીટીબેન પોતાનો ફોન ઘેર મૂકીને ગયા હોવાથી તેમને શોધવા માટે પણ પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પીઆઇના પત્નીને શોધી કાઢવા સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.