વડોદરા: MLA મધુ શ્રીવાસ્તવ ફરી આવ્યા વિવિદમાં,સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર મંદિરમાં કર્યો ડાન્સ

3,911 Views

કોરોના વાયરસથી મુક્ત થયેલા વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગાજરવાડી હનુમાન મંદિરે કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હતો. તેમણે માસ્ક પહેર્યા વગર જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી મંદિરમાં ડાન્સ કર્યો હતો. શનિવારે જ્યારે મંદિરમાં ભજન ચાલી રહ્યા હતા ત્યારે આ ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા.

ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવ સાથે એમના સમર્થકો પણ માસ્ક પહેર્યા વગર ડાન્સ કરવા લાગ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હનુમાનજીનું મંદિર મેં બનાવડાવ્યું છે, જે મારા ઘરની નજીક છે. ઘરના મંદિરમાં માસ્ક પહેરવાની જરૂર નથી. હું દર શનિવારે હનુમાન ચાલિસાના પાઠ કરૂં છું. વીસ દિવસ પહેલા મધુ શ્રીવાસ્તવ કોરોના સંક્રમિત થયા હતા. હવે તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. શહેરના ગાજરવાડી વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં તેઓ દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં ભજનનો કાર્યક્રમ હોવાથી ત્યાં તેઓ ડાન્સ કરવા લાગ્યા હતા. જોકે, તેમણે માસ્ક ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. અગાઉ પણ તેમણે પોતે એક બાહુબલી હોવાનો બફાટ કર્યો હતો. આ અંગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, કોરોના વાયરસની અસર થઈ હતી જે અડધી જતી રહી છે, અડધી બાકી છે. હું આપનો સેવક છું અને સેવક રહેવાનો છું.

જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી પ્રજાની સેવા માટે તત્પર રહીશ. વડોદરા શહેરના કાર્યકરો અને ભાઈ-બહેનોએ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બાહુબલી છું, બાહુબલી રહેવાનો છું. કોરોના ખાલી નામનો કોરોના છે. બધાએ એની સામે લડવાનું છે. હું પણ કોરોના સામે લડીને આવ્યો છું. તમારે પણ લડવાનું છે. તમે પણ ચોક્કસ જીતશો. હું તો વિજય છું અને વિજય જ રહેવાનો છું. સમયાંતરે કોઈને કોઈ કારણોસર મધુ શ્રીવાસ્તવ ચર્ચામાં રહે છે. ક્યારેક વીડિયો સામે આવે છે તો ક્યારેક એમના નિવેદનને લઈને સમાચાર બને છે. અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર બાદ હવે વધુ એક નેતાનો માસ્ક વગરનો વીડિયો સામે આવતા અનેક મુદ્દાઓ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *