ગેરકાયદેસર નાણાં ધીરાણ આપી વ્યાજની ઉઘરાણી માટે ધાકધમકી તથા મારામારી કરનાર ઇસમો સામે PASA એક્ટ હેઠળ કાર્યવાહી

375 Views

ભાવનગર, તા.૨૩ : રાજયમાં પરવાના કે લાયસન્સ વિના લોકોને ગેરકાયદેસર રીતે વ્યાજે નાણા ધીરાણ આપી ઉંચો વ્યાસ દર વસુલ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારશ્રી દ્વારા વટ હુકમ પસાર કરવામાં આવેલ છે. જેનાથી ગેરકાયદેસર રીતે નાણા વ્યાજે આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો સામે PASA એક્ટ હેઠળ પગલા લઇ આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવી શકાય.

ભાવનગર જિલ્લા કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠકમાં વગર પરવાનગીએ નાણા ધીરાણ આપી લોકો પાસેથી ધાકધમકીથી વ્યાજની ઉઘરાણી જેવી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ચર્ચા કરવામાં આવેલ હતી. જે અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર નાણા ધીરાણ આપી ઉંચા વ્યાજે ધાકધમકી આપી ઉઘરાણી કરવાના ગુન્હાના આરોપીઓ મુકેશભાઇ ભગવાનભાઇ મેર ઉ.વ. ૨૩ રહે. સુભાષનગર, વર્ષા સોસાયટી  ભાવનગર તથા સુરેશભાઇ નાજાભાઇ મેર  ઉ.વ. ૨૩ રહે. સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો, ભાવનગર એમ બંને ઇસમોની સામે PASA ( પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ ) હેઠળ પગલા લેવાની દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને મોકલી આપવામાં આવેલ હતી.

આ દરખાસ્તનો અભ્યાસ કરતા જણાયેલ કે, ઉક્ત બંને ઇસમો નાણા ધીરનાર અધિનિયમ -૨૦૧૧ હેઠળ કરેલા નિયમો અને હુકમોનું ઉલ્લંધન કરી “ગેરકાયદેસર નાણા ધીરનાર વ્યક્તિ” તરીકે ગેરકાયદેસર નાણા ધીરાણ આપી ઉંચા વ્યાજે ધાકધમકી આપી અને મારામારી કરી નાણા વસુલ કરવાના ગુનાઓ કરેલ છે. જેથી ઉક્ત ઇસમોને જાહેર લોકોની શાંતિ અને સલામતી તથા જાહેર વ્યસ્થાને પ્રતિકુળ હોઇ તે રીતે અટકાવવા જરૂરી જણાતા, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા બંને ઇસમોની સામે PASA હેઠળ પગલા લેવાની દરખાસ્તને માન્ય રાખી ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી (૧) મુકેશભાઇ ભગવાનભાઇ મેર ઉ.વ. ૨૩ રહે. સુભાષનગર વર્ષા સોસાયટી  ભાવનગરને મધ્યસ્થ જેલ વડોદરા તથા (૨) સુરેશભાઇ નાજાભાઇ મેર  ઉ.વ. ૨૩ રહે. સુભાષનગર, વાઘેલા મંડપવાળો ખાંચો, ભાવનગરને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવાનો હુકમ પસાર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *