મહત્વનો નિર્ણય – રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ફી રાહત,શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જાહેરાત

343 Views
  • ૨૫ ટકા ફી રાહતનો અમલ CBSE-ICSE, IB સહિતની તમામ શાળાઓએ કરવાનો રહેશે
  • ટ્રાન્સપોર્ટેશન, લાયબ્રેરી, કોમ્પ્યૂટર, સ્પોર્ટસ, મનોરંજન સહિત કોઈ જ ઈતર ફી શાળાઓ લઈ શકશે નહીં
  • FRCમાં જોડાયેલી શાળાઓમાં પણ નિર્ણયનો અમલ કરવાનો રહેશે
  • જે વાલીઓએ અગાઉ પૂરી ફી ભરી હશે તેમને સરભર કરી અપાશે
  • વાલીઓને ૩૧ ઓકટોબર સુધીમાં ૫૦ ટકા ફી ભરી દેવા અનુરોધ
  • ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના ફી રાહતના સંદર્ભમાં કોઈ પણ શિક્ષકને છૂટા નહીં કરી શકાય, પગાર વેતન નહીં કાપી શકાય

રાજ્ય સરકારે ગુજરાતની તમામ ખાનગી શાળાઓમાં આ વર્ષે વાલીઓને ૨૫ ટકા ફી રાહત આપવાનો જન હિતકારી નિર્ણય કર્યો છે.આ નિર્ણય રાજ્યમાં આવેલી CBSE, IB, ICSE, CSE સહિતની તમામ ખાનગી શાળાઓમાં ફી માટેની વાલીઓની વ્યાપક રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની આગેવાનીમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની વિશદ ચર્ચા વિચારણા કરીને વાલીઓ, શાળા સંચાલકો, વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે.

શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના દિશા
નિર્દેશો અને ચુકાદાને પગલે શાળા સંચાલકો અને વાલી મંડળો બેય સાથે બેઠકનો દૌર કર્યો હતો. તેમને સાંભળ્યા હતા.આ બેઠકો ની ચર્ચા વિચારણાના પરિણામે શાળા સંચાલકો અને વાલી મંડળ બેય ૨૫ ટકા ફી રાહત માટે રાજ્ય સરકાર સાથે સહમત થયા છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યની કોઇપણ શાળા આ વર્ષે ઈતર ફી જેમાં ટ્રાન્સપોટેશન, લાયબ્રેરી, કોમ્પ્યૂટર, સ્પોર્ટસ અને મનોરંજન સહિતની ફીનો સમાવેશ થાય છે તેવી કોઈ જ ઈતર ફી લઈ શકશે નહીં.શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાલીઓના વ્યાપક હિતમાં એવો પણ નિર્ણય કર્યો છે કે જે વાલીઓએ અગાઉ પુરી ફી ભરી છે તેમને હવે આ નિર્ણય મુજબ ફી સરભર કરી અપાશે. તેમણે એમ પણ ઉમેર્યું કે FRCમાં જોડાયેલી શાળાઓને પણ ૨૫ ટકા ફી રાહતનો આ નિર્ણય લાગુ પડશે.

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે શાળાઓએ સ્વયંભૂ અને સ્વૈચ્છિક રીતે ૨૫ ટકા ફી રાહતની જાહેરાત કરી હતી તેમનો આભાર વ્યક્ત કરતા રાજ્યના સૌ વાલીઓને અનુરોધ કર્યો છે કે હવે રાજ્ય સરકારે આ રાહત આપેલી છે ત્યારે વાલીઓએ ૩૧ ઓક્ટોબર સુધીમાં પોતાના બાળકોની ફી ૫૦ ટકા ભરી દેવી જોઈએ. શિક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે ફી માં આ રાહતને પરિણામે ખાનગી શાળાના શિક્ષકોને છૂટા કરવાની કે પગાર-વેતન ન મળવાની જે ફરિયાદો આવેલી છે તે સંદર્ભમાં રાજ્ય સરકારે કોઈ પણ શિક્ષકને છુટા નહીં કરવા ખાનગી શાળા સંચાલકોને સ્પષ્ટપણે સુચનાઓ આપી છે.શિક્ષણ મંત્રીશ્રીએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ૧૦૦ ટકા ફી રાહતની જે માંગ કરવામાં આવી છે તેનો પ્રત્યુત્તર આપતા કહ્યું કે, કોઈ પણ કોંગ્રેસ શાસિત રાજ્યમાં ૧૦૦ ટકા ફી માફી આપવામાં આવી હોય તેનો એકાદ દાખલો કોંગ્રેસ બતાવે.

શ્રી ભુપેન્દ્રસિંહએ વિશ્વાસ દર્શાવ્યો કે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિના રાજ્યમાં યોગ્ય અમલથી ગુજરાત શિક્ષણ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસમાં પણ મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમા લીડ લેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *