સુરતથી 1610 કિમી દૂર ચેન્નાઈમાં 180 મિનિટમાં પહોંચાડ્યું હૃદય, બાળકીને મળ્યું જીવનદાન

1,612 Views

અંગદાન વિશે આપણે ઘણીવાર શાંભળતા હોઈએ છીએ, અંગદાનથી બીજો લોકને જીવનદાન મળે છે. થોડા દિવસ પહેલા જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ અંગદાન કરવાની જાહેરાત કરી હતી. આવો એક કિસ્સો સામે આવ્યો છે ડાયમંડનગરી સુરતમાં. સુરતમાંથી 28માં હૃદય અને ફેફસાંના દાનની ત્રીજી ઘટના નોંધાઈ છે. કોળી પટેલ સમાજનાં બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. ઈલાબેન પટેલનું હૃદય સુરતથી ચેન્નઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થિનીમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે તેમજ ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની 61 વર્ષીય મહિલામાં ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

અમે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ.

આ અંગે ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર પુષ્પેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. આજે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમનું શરીર બળીને રાખ થઇ જાય, એના કરતાં તેમનાં અંગોનાં દાન થકી જે દર્દીઓને અંગની જરૂર છે તેમને આપીને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસાં, કિડની અને લિવરનાં દાન માટે જણાવ્યું.

પરિવારના સભ્યોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી

27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 કલાકે ઇલાબેનને ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. પરિવારજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે ન્યૂરોસર્જન ડૉ. ધવલ પટેલે CT સ્કેન કરાવતાં મગજની નસ ફાટી જવાથી લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. 29 સપ્ટેમ્બરના રોજ ન્યૂરોસર્જન ડો.ધવલ પટેલ, ન્યૂરોફિઝિશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, ફિઝિશિયન ડૉ. નિખિલ જરીવાલા, એનેસ્થેટિસ્ટ ડૉ. રવીશા શેખે ઇલાબેનને બ્રેનડેડ જાહેર કર્યાં. ઈલાબેનના દિયર પુષ્પેન્દ્રભાઈ અને તેમના મિત્ર બિપિનભાઈએ અંગદાનની પ્રક્રિયા સમજી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર પુષ્પેન્દ્રભાઈ, ભગવતીભાઈ, બનેવી શાંતિલાલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. ત્યાર બાદ બધાએ આ અંગે સંમતિ દર્શાવતા અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો.

ચેન્નઈ હૃદય મોકલવામાં આવ્યું

ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO મુંબઈમાં હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે ROTTO મુંબઈ દ્વારા NOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા હૃદય ચેન્નઈની MGM હોસ્પિટલ અને ફેફસાં ચેન્નઈની અપોલો હોસ્પિટલને ફાળવવામાં આવ્યાં. જયારે SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવ્યાં.

કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 18 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 18 વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની 18 વર્ષીય યુવતીમાં, જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની ૫૪ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપ્યું

ચેન્નઈની MGM તથા અપોલો હોસ્પિટલના ડૉ. મુરલી ક્રિષ્ના, ડૉ. મોહન અને તેમની ટીમે સુરત આવી હૃદય અને ફેફસાંનું દાન સ્વીકાર્યું. કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. સુરતની વિનસ હોસ્પિટલથી ચેન્નઈની MGM તથા એપોલો હોસ્પિટલ સુધીનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની MGM હોસ્પિટલમાં દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થિનીમાં ડૉ. બાલાક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં મુંબઈની 61 વર્ષીય મહિલામાં ડૉ. ટી. સુન્દર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *