દાહોદના ગરબા આયોજકોને નવરાત્રી આયોજન મુલત્વી રાખવા અપીલ

2,806 Views

મોટા મેળાવડા કરવાથી કોરોના સંક્રમણમાં મોટો ઉછાળો આવી શકે

દાહોદ – તા – 08 – ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. કેતન પટેલે દાહોદ જિલ્લાના ગરબા આયોજકોને અપીલ કરી છે કે તેઓ આ વર્ષનું નવરાત્રી આયોજન મુલત્વી રાખે.  કારણ કે મોટા મેળાવડા કરવાથી કોરોના સંક્રમણમાં મોટો ઉછાળો આવી શકે છે.

            ડો કેતન પટેલે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે અને કેસોની સંખ્યા વધી રહી છે તથા કેટલાંય લોકો મોતને ભેટયાં છે. ત્યારે દાહોદમાં કેસોનું પ્રમાણ ઘટયું છે અને સ્થિતિ કાબૂમાં છે. પરંતુ કોરોના અજ્ઞાત શત્રુ છે જો ગાફેલ રહીશું તો ગમે ત્યારે કોરોનાનો શિકાર બનીશું. પેલી કહેવત નજર હટી દૂધર્ટના ધટી જેવી આ વાત છે. માટે કોરોના સામે સાવચેત રહો. દરેક વ્યક્તિ સસ્પેકટેડ કોરોના પોઝિટિવ છે એમ વિચારીને જ આપણું વર્તન રાખવાનું છે.

દાહોદમાં કેસો ઘટયાં છે તેનો શ્રેય કલેક્ટરશ્રી અને તેમની પૂરી વહીવટી તંત્રની ટીમને જાય છે. સાથે દાહોદના જાગૃત નાગરિકોનો પણ એમાં એટલો જ ફાળો છે. નાગરિકોએ એસએમએસનાં સૂત્ર- એટલે કે સોશ્યિલ ડિસ્ટનન્સ, માસ્ક અને સેનિટાઇઝર જેવી બાબતોનું સારી રીતે પાલન કર્યું છે અને તેને જીવનમંત્ર બનાવ્યો  છે. કોરોનાનો અક્સીર ઇલાજ ન આવે ત્યાં સુધી આપણે માસ્કને જ વેક્સિન ગણવાની છે અને તો જ આપણો કોરોનાથી બચાવ થશે.

તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના આ સમયમાં આપણે ઘણાં તહેવારો ઘરે રહીને જ ઉજવ્યા છે. જેના સારા પરિણામ મળ્યા છે. આપણે ગણેશ ચર્તુથી, મહોરમ વગેરે તહેવારો સમયે વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરીને ઘરે રહીને જ તહેવારો ઉજવ્યા છે અને જાહેર મેળાવડાઓથી દૂર રહ્યાં છે.

દાહોદનાં ડોક્ટરો દ્વારા પણ છેલ્લા સાત વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગરબાનું આયોજન મોકુફ રાખ્યું છે. જાહેર મેળાવડાથી કોરોના સંક્રમણ ઘરના જ સગાસંબધીઓ સુધી પ્રસરે છે માટે લોકહિતને ધ્યાનમાં લઇને બધા ડોક્ટરોએ સર્વાનુંમતે ગરબા ન કરવાનો નિર્ણય કર્યો છે. દાહોદ જિલ્લાના ગરબા આયોજકો પણ ફરી એક વાર વિચારે અને આ વર્ષે નવરાત્રીનું આયોજન મુલત્વી રાખે તે સૌના હિતમાં છે. સૌ નાગરિકો પણ ઘરે રહીને જ માતાજીની આરાધના કરે અને મોટા મેળાવડાથી દૂર રહી ઘરે જ નવરાત્રી ઉજવે. આવતા વર્ષે આપણે સૌ બમણાં જોશ સાથે નવરાત્રીનું આયોજન કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *