આ વર્ષે ભારતના GDPમાં 10.3 ટકાનો ઘટાડો થઈ શકે છે : IMF

3,861 Views

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF)એ મંગળવારે કહ્યું હતું કે ભારતના GDPમાં આ વર્ષે 10.3 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, જોકે વર્ષ 2021માં 8.8 ટકા ગ્રોથનો અંદાજ છે. આ અગાઉ જૂન મહિનામાં IMFએ 4.5 ટકા ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. GDPમાં ભારે ઘટાડા પાછળ કોરોના મહામારી તથા દેશમાં લગાવવામાં આવેલું લોકડાઉન જવાબદાર છે. IMFએ વિશ્વ અર્થતંત્રને લગતા તેના અર્ધ-વાર્ષિક આઉટલૂકમાં કહ્યું છે કે આ વર્ષે તમામ ઊભરતાં બજાર તથા વિકાસશીલ દેશોનાં ક્ષેત્રોમાં ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને ભારત તથા ઈન્ડોનેશિયા જેવાં અર્થતંત્રોનો એમાં સમાવેશ થાય છે, જે કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે સતત પ્રયત્નશીલ છે. ભારતના સંદર્ભમાં IMFએ બીજા ત્રિમાસિક ગાળા માટે GDP અંગે પોતાના પહેલા અંદાજમાં ફેરફાર કર્યો છે. અંદાજ પ્રમાણે વર્ષ 2020માં અર્થતંત્રમાં 10.3 ટકાનો ઘટાડો થઈ શકે છે.
IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠક અગાઉ જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે વૈશ્વિક સ્તરે વૃદ્ધિ આ વર્ષે 4.4 ટકા ઘટી શકે છે. જોકે તે આગામી વર્ષ 2021માં 5.2 ટકા સાથે બાઉન્સ બેક થઈ શકે છે. અમેરિકાના અર્થતંત્ર અંગે પોતાના અંદાજમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020માં 5.8 ટકા ઘટાડો થઈ શકે છે. આગામી વર્ષે તે 3.9 ટકા વૃદ્ધિ નોંધાવી શકે છે. મોટાં અર્થતંત્રોની બાબતમાં ફક્ત ચીનનો GDP પોઝિટિવ રહેવાનો અંદાજ છે. ચીનનો GDP વર્ષ 2020માં 1.9 ટકા વધી શકે છે. IMFએ તેના અહેવાલમાં કહ્યું છે કે અનુમાનમાં સુધારો ફક્ત ભારતને લઈ થઈ શકે છે, જ્યાં GDP બીજા ત્રિમાસિક ગાળામાં અનુમાન કરતાં વધારે ગગડ્યો છે. અહેવાલ પ્રમાણે વર્ષ 2019માં ભારતનો GDP દર 4.2 ટકા રહ્યો હતો. ગયા સપ્તાહે IMFએ કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ભારતનો GDP 9.6 ટકા સુધી ઘટી શકે છે. ભારતમાં વર્તમાન સમયમાં સ્થિતિ ઘણી ખરાબ છે, જે અગાઉ ક્યારેય ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *