હિન્દુ તહેવારો પહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો બોલાયો

2,519 Views

અમદાવાદ – લોકો ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માને છે. ત્યારે આ તહેવારો પહેલા સોના-ચાંદીના ભાવમાં કડાકા બોલાયા છે. આમ લોકોમાં એક પ્રકારે સોના ચાંદીના ભાવને લઈને હાસકારો અનુભવાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા ઘટાડાની અસર સ્થાનિક બજારોમાં પડી રહી છે. જેના પગલે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બુધવારે સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં બે દિવસમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આજે બુધવારે 1 કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ધડાકો સાથે ઘટતા ચાંદી ચોરસા ૬૧,૦૦૦ અને ચાંદી રૂપું 60,800 રૂપિયાના ભાવે બંધ રહી હતી. જો કે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં 1 કિલો ચાંદી ચોરસા 62000 અને ચાંદી રૂપુ 61800 રૂપિયાની સપાટી પહોંચી હતી.

અમદાવાદમાં આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનુ સ્ટાન્ડર્ડ (99.9) 52300 રૂપિયા અને સોનુ તેજાબી (99.9) 52,100રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જો કે મંગળવારે ૧૦ ગામ સોનામાં 100 રૂપિયાનો વધારો થતાં સોનુ સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનુ તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે પહોંચી ગયું. આ ઉપરાંત ૧૦ ગ્રામ હોલમાર્ક દાગીનામાં ૪૯૦ રૂપિયાનો ઘટાડો થતાં અમદાવાદમાં હોલમાર્ક દાગીના 51255 રૂપિયાના સ્તરે રહ્યા હતાં.

નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનુ 50,000 – 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની રેન્જમાં રહી શકે છે. નિષ્ણાંતોએ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ બે મહિનામાં ડોલર સામે રૂપિયામાં થયેલો વધારો છે. હાલમાં રૂપિયો ૭૩-૭૪ રેન્જમાં છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયામાં મજબૂત વળતરને કારણે સોનાના ભાવ પણ નીચે આવી ગયા છે. જો ડોલર રૂપિયા સામે પાછો મજબૂત થશે તો લાંબા ગાળે પીળી ધાતુના ભાવ વધુ ઝડપથી વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *