ગુજરાતમાં કોરોનાના 273 કરોડના મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પાસ થયા

251 Views

કોરોના આવ્યા બાદ લોકોમાં હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને ઘણી જ અવેરનેસ આવી છે. હેલ્થ વીમા કંપનીઓના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં લોકોએ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન આશરે રૂ. 1600 કરોડની હેલ્થ પોલિસી લીધી છે. ગત વર્ષે સમાન ગાળામાં ગુજરાતમાં રૂ. 1300 કરોડની પોલિસી વેચાઈ હતી. ક્લેમની વાત કરીએ તો ગુજરાતમાં કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે ઓગસ્ટના અંત સુધીમાં રૂ. 273 કરોડના ક્લેમ થયા છે. મનિપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શશાંક ચાપેકરના જણાવ્યા પ્રમાણે, આ સેગમેન્ટમાં 23% જેવી વૃદ્ધિ જોવા મળી છે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ અને ઇન્શ્યોરન્સ કંપનીઓના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં કોરોના વાઇરસની ટ્રીટમેન્ટ માટે દેશભરમાંથી રૂ. 3,300 કરોડના કુલ 2.07 લાખ ક્લેમ મળ્યા છે, જેમાંથી 1.30 લાખ ક્લેમ માટે રૂ. 1260 કરોડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ટ્રીટમેન્ટ માટે ગુજરાતમાંથી રૂ. 273 કરોડના કુલ 17,700 ક્લેમ કરવામાં આવ્યા છે. આ રીતે દેશમાં થયેલા કુલ ક્લેમમાંથી 8.27% ગુજરાતમાંથી થયા છે. સૌથી વધુ ક્લેમ મહારાષ્ટ્રમાંથી રૂ. 1,076 કરોડના 84,400 ક્લેમ થયા છે. ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 96,435 કેસ નોંધાયા હતા. તેવી જ રીતે આ સમય સુધીમાં હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કોરોનાની ટ્રીટમેન્ટ માટે રાજ્યમાંથી કુલ 17,700 ક્લેમ કરવામાં આવ્યા છે. આ હિસાબે કુલ નોંધાયેલા દર્દીઓમાંથી 18.35% લોકોએ ક્લેમ કર્યા છે. એક વ્યક્તિએ સરેરાશ રૂ. 1.55 લાખનો ક્લેમ કરેલો છે. કેર હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રોડક્ટ્સ અને બિઝનેસ પ્રોસેસના હેડ આશુતોષ શ્રોત્રિયાએ જણાવ્યું હતું કે એક રિપોર્ટ મુજબ ભારતમાં અંદાજે 35% લોકો પાસે જ કોઈ ને કોઈ સ્વરૂપે હેલ્થ ઇન્શ્યોરન્સ છે. આવું જ કંઇક ગુજરાતમાં પણ છે. અત્યારસુધીમાં લોકોને હેલ્થકેર વીમા પર ખર્ચ કરવો બિનજરૂરી લાગતો હતો અથવા એને પ્રાધાન્ય આપવામાં આવતું ન હતું, પરંતુ કોરોના આવ્યા બાદ ગુજરાત સહિતનાં રાજ્યોમાં હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને જાગરૂકતા આવી છે અને લોકો તેનું મહત્ત્વ સ્વીકારતા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *