રિસર્ચમાં દાવો- કોરોનાના લીધે દુનિયામાં 26 કરોડ લોકોનેે ભૂખ્યા રહેવાની નોબત

704 Views

આજે વર્લ્ડ ફૂડ ડે છે. કોરોના મહામારીને કારણે દુનિયાના આશરે 26 કરોડ લોકો સામે ખોરાકનું સંકટ પેદા થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રએ આ દાવો કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ ખાદ્ય સંકટને દૂર કરવા 2030નું લક્ષ્ય રાખ્યું હતું. પણ હવે તેને પૂરું કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. મહામારીને લીધે કરોડો લોકોની આવકના સ્ત્રોત બંધ કે મર્યાદિત થઈ ગયા છે. આ મામલે જર્મની સરકારે એક રિસર્ચ કરાવ્યું. રિસર્ચ ગ્રૂપે 23 દેશોના ડેટાના આધારે દાવો કર્યો કે 2030 સુધી આ ખાદ્ય સંકટ દૂર કરવા ઓછામાં ઓછા 24 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. દાનદાતાઓની સ્થિતિની દૃષ્ટિએ આગામી 10 વર્ષમાં આટલી રકમ એકઠી કરવી સરળ નહીં હોય. વધારાના 10 લાખ કરોડ રૂપિયાની જરૂર પડે. વર્તમાન દાનદાતાઓથી આ રકમના 50 ટકા જ એકઠા કરી શકાશે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ અનુસાર ભૂખ મામલે દુનિયાના 11 દેશ અલાર્મિંગ લેવલ પર છે. અન્ય 40 દેશો ગંભીર સ્તરે છે. દુનિયાના સાત કરોડ લોકો રોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર ગત 5 વર્ષથી નાની વયનાં 21 ટકા બાળકોનાં મૃત્યુ ભૂખને કારણે થયાં હતાં. તેમાં 6.9 ટકા ખૂબ જ પાતળાં હતાં. જોકે 5.6 ટકાનું વજન ઓછું હતું. યુનિસેફ અનુસાર ભારતમાં બાળકોનાં મૃત્યુનું 69 ટકા કારણ કુપોષણ છે. નિષ્ણાતો મુજબ કોરોના બાદ આ સ્થિતિ વધુ બગડશે. 5 વર્ષથી ઓછી વયનાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *