વડાપ્રધાન મોદીના નવરાત્રિ વ્રતથી અમેરિકન્સ પણ ચોંકી ઊઠ્યા

480 Views

વાત વર્ષ 2014ની છે. નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત અમેરિકા પહોંચ્યા હતા. તેના એક દિવસ પહેલાં જ શરદ નવરાત્રિ શરૂ થઈ ગઈ હતી અને વડાપ્રધાન છેલ્લાં 35 વર્ષની જેમ આ વખતે પણ 9 દિવસના ઉપવાસ પર હતા. 30 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાનના માનમાં વ્હાઇટ હાઉસ ખાતે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, પરંતુ મોદીએ ફક્ત નવશેકું જ પાણી પીધું હતું. અમેરિકન મીડિયા વડાપ્રધાનની વાતોથી ખૂબ જ પ્રભાવિત થયું હતું. મોટા ભાગનાં અમેરિકન અખબારોએ તેમના આ શ્રદ્ધાભાવ પર ઘણા સમાચાર પ્રકાશિત કર્યા. એ લગભગ સ્પષ્ટ છે કે છેલ્લાં 40 વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદી સંપૂર્ણ 9 દિવસ માટે ઉપવાસ પર રહેશે. એકવાર તેમણે તેમના બ્લોગ અને કાવ્યસંગ્રહ ‘સાક્ષીભાવ’માં લખ્યું હતું કે નવરાત્રિનો ઉપવાસ એ તેમની વાર્ષિક આત્મશુદ્ધીકરણ કસરત છે, જે તેમને દરરોજ રાત્રે અંબા માતા સાથે સંપર્ક કરવાની શક્તિ અને ક્ષમતા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈત્ર અને શરદ બંને નવરાત્રિના ઉપવાસ કરે છે. અમેરિકન ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું, ભારતના નવા વડાપ્રધાને ઓબામા સાથે ડિનરમાં માત્ર ગરમ પાણી પીધું. મોદી છેલ્લાં 40 વર્ષથી નવરાત્રિના ઉપવાસ રાખે છે. મહેમાનોએ બકરીના દૂધનું પનીર, એવાકાડો અને શિમલા મરચું, બાસમતી ભાતની સાથે ક્રિસ્પ હેબિલટ(એક પ્રકારની માછલી) અને મેંગો ક્રીમ બ્રુલી( જમ્યા પછીની સ્વીટ ડિશ)ની મજા માણી. બ્રિટિશ ન્યૂઝપેપર ધ ગાર્ડિયને એક દિવસ પહેલાં લખ્યું કે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બાઇડન સાથે લંચ અને રાષ્ટ્રપતિ ઓબામા સાથે ડિનર ઘણું ફળદાયી હશે, કારણ કે ધર્મનિષ્ઠ હિંદુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *