સરકાર અને સી.આર.પાટીલ વચ્ચેનો વિવાદ અમિત શાહ સુધી પહોંચ્યો

423 Views

સી.આર.પાટીલે કરેલાં બેફામ જાહેર નિવેદનોને કારણે સરકાર અને સી.આર.વચ્ચે આંતરિક વિવાદ ઊભો થયો હતો, જેની ફરિયાદ છેક ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચી હતી. અમદાવાદ આવેલા અમિત શાહે સરકાર અને સી.આર.ને સાનમાં સમજાવી દીધા હતા અને તેમને પેટાચૂંટણીમાં લાગી જવાના આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ચાર્જ સંભાળતાંની સાથે જ રાજકોટની પ્રથમ મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરો ઈશારો કરી કહ્યું હતું કે ટિકિટ મેળવવા એવું ન વિચારતા કે મુખ્યમંત્રી રાજકોટના છે તો ટિકિટ મળી જશે, આવો વહેમ પણ ન રાખતા. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જિતાડવા કૉંગ્રેસના 8 ધારાસભ્યને ભાજપમાં લેવામાં આવ્યા હતા એ મામલે પણ આકરા પ્રહારો કર્યા હતા. એની સાથે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપવા મામલે પણ સી.આર.પાટીલે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. પરિણામે, ભાજપની રૂપાણી સરકાર અને સી.આર. વચ્ચે વિખવાદ ઊભો થયો હતો. આ અંગેની ફરિયાદો અને રજૂઆત છેક અમિત શાહ સુધી પહોંચી હતી, તેથી હાલ અમદાવાદ આવેલા અમિત શાહે સી.આર.પાટીલ અને સરકાર બંનેને સાનમાં સમજાવી તેમને પેટાચૂંટણીમાં લાગી જવાની સલાહ આપી હોવાનું જાણવા મળે છે. વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આઠેય બેઠક જીતવાનો દાવો કર્યો છે. ભાજપે પોતાનો દાવો સાચો પાડવાના પ્રયાસરૂપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ પક્ષપલટા ઉમેદવારને ટિકિટ પણ આપી છે. એની સામે કોંગ્રેસ માટે આઠેય બેઠક પર જીત મેળવવી એ તેની આબરૂ બચાવવા જેવું છે. એનું કારણ એ છે કે આ આઠેય બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે અને એના પરથી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં ગયા હતા. એમાંથી પાંચને ભાજપે ટિકિટ પણ આપી છે, જેથી આ બેઠક જાળવીને ભાજપ પોતાના વિધાનસભ્યોની સંખ્યા વધારી શકે. આમ, ભાજપ માટે અહીં વકરો એટલો નફો છે તો કોંગ્રેસ માટે આબરૂ જાળવવાનો પડકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *