2 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ, 1.10 કરોડ GST કરદાતાને ફાયદો
દિલ્લી – કોવિડ-19ને ધ્યાનમાં લઇને જીએસટી કરદાતાઓને સરકારે મોટી રાહત આપી છે. જે કરદાતાનું ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય તેમને વાર્ષિક રિટર્નમાંથી અને જેમનું ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય તેમને જીએસટી ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાંથી છૂટ આપવામાં આવી છે. આમ જીએસટીના 1.10 કરોડ કરદાતાને આ છૂટનો લાભ મળશે. તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓને રાહત આપતા 2019-20ના નાણાકીય વર્ષમાં રૂ. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને જીએસટી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાંથી છૂટ આપી છે. વધારામાં જે કરદાતાનું વાર્ષિક વેચાણ રૂ. 2 કરોડથી નીચે હોય તેમને વાર્ષિક રિટર્ન ભરવામાંથી પણ છૂટ આપી છે. આમ જીએસટી સાથે નોંધાયેલા 1.33 કરોડ કરદાતાઓમાંથી અંદાજે 1.10 કરોડ કરદાતાઓનું વેચાણ રૂ. 5 કરોડથી નીચે છે. જેને લઇને જીએસટી કરદાતાઓના મોટા વર્ગને વાર્ષિક રિટર્ન અને ઓડિટ ભરવામાંથી છૂટછાટ આપવામાં આવી છે. જીએસટીના જૂના કાયાદા પ્રમાણે દરેક કરદાતાએ વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત હતું. જે કરદાતાનું રૂ. 2 કરોડથી વધારે ટર્નઓવર હોય તેમણે જીએસટી ઓડિટ કરાવું ફરજિયાત હતું. પરંતુ સરકારે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોને રિટર્ન ભરવામાં છૂટ આપી છે. જ્યારે રૂ. 5 કરોડથી નીચે અને રૂ. 2 કરોડથી ઉપરનું ટર્ન ઓવર ધરાવતા કરદાતાએ માત્ર વાર્ષિક રિટર્ન ભરવાનું રહેશે તેમને જીએસટી ઓડિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ સરકારે જીએસટી કરદાતાઓને મોટી રાહત આપી છે.