વિષુવવૃત્ત પર ઠંડા પાણીના પ્રવાહો શરૂ થતા આ વર્ષે શિયાળો વધુ ધ્રુજાવશે

69 Views

હવામાન સમાચાર – પ્રશાંત મહાસાગરમાં વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રની સપાટી પરનું તાપમાનમાં થતા નજીવા ફેરફાર પણ ભારતની ઋતુઓમાં ઘણા ફેરફાર લાવી દે છે. હાલની સ્થિતિએ પણ એ કારણે આ શિયાળે સામાન્ય કરતા પણ નીચું તાપમાન જાય તેવી આગાહી વેધર એક્સપર્ટ કરી રહ્યા છે. એક્સપર્ટ એન.ડી. ઉકાણી જણાવે છે કે, પ્રશાંત મહાસાગરના વિષુવૃત્તીય પ્રદેશમાં સમુદ્રની સપાટી પરનું સરેરાશ તાપમાન 26.6 ડિગ્રી હોવું જોઈએ પણ હાલ દક્ષિણ અમેરિકાના ઠંડા પાણીના કરંટને કારણે સપાટીનું સરેરાશ કરતા નીચું ગયું છે તેને કારણે હળવી લા નિનો ઈફેક્ટ જોવા મળે છે જેની ભારતીય મહાદ્વીપ પર અસર થશે અને શિયાળામાં વધારે કોલ્ડવેવ અનુભવાશે. સામાન્ય રીતે અલ નિનો કે લા નિનો ઈફેક્ટ ન હોય તો 4થી 5 કોલ્ડવેવ આવે છે, અલ નિનોમાં તેના કરતા ઓછા જ્યારે લા નિનોમાં સામાન્ય કરતા વધુ કોલ્ડવેવની સંખ્યા રહે છે. આ વર્ષે વધુ કોલ્ડવેવ આવે તેવી શક્યતા છે. કોલ્ડવેવ વધતા ઠંડા અને સૂકા પવનોને વધતા સૌરાષ્ટ્રમાં જે સામાન્ય રીતે સૌથી ઓછું તાપમાન 10 ડિગ્રીની નજીક હોય છે તેના કરતા પણ પારો નીચે ગગડતા સિંગલ ડિજિટમાં પારો નોંધાશે.
લા નિનો ઈફેક્ટની હાલની અસરને કારણે પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીમાં બંગાળના ઉપસાગરમાં વધુ સિસ્ટમ જોવા મળે છે. તાજેતરમાં બંગાળની ખાડીમાં બન્યું હતું તે ડિપ ડિપ્રેશન બની અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદ વરસાવ્યા બાદ મહારાષ્ટ્ર સુધી પહોંચતા પહોંચતા નબળું પડી હવાના દબાણમાં ફેરવાયું હતું પણ દરિયા સુધી આવતા તેને ભેજવાળા પવનો મળી રહેતા ફરીથી મજબૂત બન્યું છે અને ફરી ડિપ્રેશન બન્યું છે અને ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. આ કારણે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેની અસર થશે અને ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ અને ઝાપટાં પણ પડે તેવી શક્યતા છે. રવિ પાકનું વાવેતર થાય ત્યારે ખેડૂતોના મનમાં શિયાળો કેવો જશે તે પહેલાં વિચાર આવે છે. કારણ કે, શિયાળાની ઠંડી પાકની ઉત્પાદકતા પર અસર કરે છે. આ વિશે વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણી જણાવે છે કે, શિયાળામાં ઠંડા અને સૂકા પવન વહેતા હોય છે. જેમ કોલ્ડવેવ વધુ તેમ વધુ સુકા પવન વહે છે. આ કારણે અમુક પાકો જેવા કે જીરું, રાયડો અને ઘઉંમાં ઘણો ફાયદો થાય છે. જેમ જેમ ઠંડી વધુ હોય તેટલો જ શિયાળુ પાકમાં વધુ સારી સ્થિતિ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *