CM નીતીશના ગામમાં હોસ્પિટલ તો છે, પણ દવા-સારવાર નથી; સ્ટેડિયમ તો છે, પણ ત્યાં ગ્રાઉન્ડ નહીં, જંગલ છે.

25 Views

કલ્યાણ બિગહા.. મુખ્યમંત્રી નીતીશ કુમારનું ગામ. મુખ્યમંત્રીનું ગામ હોવાને લીધે એ વિકસિત થવું જોઈતું હતું, પણ આવું ન થયું. આ ગામના લોકોની ઘણી ફરિયાદો છે. આ ફરિયાદ નીતીશ કુમાર માટે અને અહીંના ધારાસભ્ય માટે પણ છે. ગામના લોકોનું કહેવું છે કે આ લોકો કોરોનાકાળમાં અહીં જોવા સુધી આવ્યા નથી, એટલા માટે ગામના લોકો તેમનાથી નારાજ છે. કલ્યાણ બિગહા ગામ નાલંદા જિલ્લાના હરનૌત વિધાનસભા ક્ષેત્રનો ભાગ છે. હરનૌત બેઠક પર સતત JDUના ઉમેદવાર જીતતા આવ્યા છે. કેમેરા સામે તો કોઈ ન આવ્યું, પણ ઓફ્ફ કેમેરા ઘણા લોકોએ તેમની વાત કહી. સમય વિધાનસભા ચૂંટણીનો છે. વોટ માગવા માટે હવે ધારાસભ્ય હરિનારાયણ સિંહ ગામનાં ચક્કર લગાવવા માંડ્યા છે. ભાસ્કર ડિજિટલની ટીમ મુખ્યમંત્રીના ગામ કલ્યાણ બિગહાની સ્થિતિ જાણવા માટે ત્યાં પહોંચી હતી. સાંજ થઈ ચૂકી હતી. મંદિરના પાછળ જ મુખ્યમંત્રી નીતીશ કુમારનું જૂનું ઘર છે. અહીં કોઈ રહેતું નથી. ઘરે તાળું હતું. ગામમાં વીજળી છે, પીવાના પાણીની વ્યવસ્થા પણ છે. સારા રસ્તા છે. અભ્યાસ માટે પણ શાળા છે. સુરક્ષા માટે પોલીસ આઉટપોસ્ટ પણ છે.
કલ્યાણ બિગહાના લોકો સ્પષ્ટ રીતે કહે છે કે નીતીશ કુમારના કારણે તેમણે JDUના ઉમેદવાર હરિનારાયણ સિંહને મત આપ્યો હતો. બે વખતથી તેમને વિધાનસભા ચૂંટણીમાં જિતાડ્યાં હતા, પણ જીત્યા પછી તેઓ ગામમાં નજર કરવા પણ નથી આવ્યા. જ્યારે કોરોના વાઈરસને કારણે દરેક જગ્યાએ મુશ્કેલીઓ વધી રહી હતી, એવા ગંભીર સમયમાં પણ ગામના લોકોને જોવા તેઓ નહોતા આવ્યા. ખુદ નીતીશ કુમાર પણ નહોતા આવ્યા. હવે ચૂંટણીનો વખત છે એટલે વોટ માગવા આવી રહ્યા છે.
ગામના લોકોની ફરિયાદ છે કે નીતીશ કુમારે અમારી સુવિધા માટે હોસ્પિટલ તો બનાવડાવી, પણ ત્યાં ન તો યોગ્ય સારવાર થાય છે કે ન તો ત્યાં પૂરતી દવાઓ છે. સારી સારવાર માટે બીજા ગામના દવાખાનામાં જવું પડે છે. મુખ્યમંત્રી ભલે આ ગામના રહેવાસી હોય, પણ તેમનું ધ્યાન ગામ પર નથી. જો તેમનું ધ્યાન હોત તો ગામના લોકોને મુશ્કેલી ન પડતી.
ત્રણ વર્ષ પહેલાં લાખો રૂપિયા ખર્ચીને કલ્યાણ બિગહામાં એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું, પણ આ માત્ર નામનું સ્ટેડિયમ છે. ત્યાં રમવાલાયક સ્થિતિ જ નથી. ગ્રાઉન્ડના નામે જંગલ છે. કોઈપણ પ્રકારનું મેઇન્ટેન્સ નથી થતું. તેની દેખરેખ કરવાવાળું કોઈ નથી. ગામના યુવાનોએ આ અંગે ઘણી વખત નાલંદા જિલ્લાના અધિકારીઓને અપીલ પણ કરી, પણ કોઈએ તેમની વાત ન સાંભળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *