અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોમાંથી રાવણનું પૂતળું બનાવવાના એકપણ ઓર્ડર મળ્યા નહીં.

1,271 Views

રાવણ દહન – ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે દશેરાના દિવસે રાજ્યમાં કોઈ જગ્યાએ રાવણદહનના મોટા કાર્યક્રમોનું આયોજન નહિ થાય. 50 વર્ષથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતનાં શહેરોમાં રાવણનાં પૂતળાં તૈયાર કરવા ઉત્તરપ્રદેશથી 35 કારીગર આવે છે, પરંતુ આ વખતે કોરોનાને લીધે એકપણ ઓર્ડર ન હોવાથી તેઓ આવ્યા નથી. રાવણનું પૂતળું તૈયાર કરનારા આગ્રા ખાતે રહેતા સરાફત અલી ફારુકીએ જણાવ્યું હતું કે અમે ઓર્ડર લેવા તમામ આયોજકોને ફોન કર્યા હતા, પરંતુ કોઈએ ઓર્ડર ન આપતાં આ વખતે અમે અમદાવાદ આવ્યા નથી, જેના કારણે સાતથી દસ લાખનું નુકસાન થયું છે. પચાસ વર્ષથી અમે આ કામ માટે દશેરાના બે મહિના પહેલાં આવીએ છીએ અને 35થી વધુ રાવણનાં પૂતળાં તૈયાર કરીએ છીએ.

અમદાવાદ –નાગરવેલ હનુમાન ખાતેના આયોજક રાજેન્દ્રસિંહ જાટે કહ્યું- 1965થી રાવણદહન કરીએ છીએ અને દર વર્ષે અંદાજે બે લાખ લોકો આવે છે, પણ કોરોનાને કારણે આ વર્ષે આયોજન કર્યું નથી, પરંતુ રોજ સાંજે ચાર માણસો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભેગા થઈ રામધૂન કરશે અને દીવો, અગરબત્તી, આરતી કરાશે. દશેરાએ પણ આ જ રીતે આયોજન કરીશું, જેથી અમારી પરંપરા પણ ખંડિત થાય નહીં.

વડોદરા – વડોદરાના ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ પ્રેસિડેન્ટ પ્રવીણકુમાર ગુપ્તાએ કહ્યું- 40 વર્ષમાં પહેલી વાર આ વર્ષે રાવણદહન નહીં થાય, પણ રામ ભગવાનની આરતી, હનુમાન ચાલીસા, હવન રાખીશું. આ માટે પોલીસની મંજૂરી લીધી છે. દર વર્ષે પોલો ગ્રાઉન્ડમાં રાવણદહનમાં દોઢ લાખ લોકો આવે છે. અમે ગત વર્ષની સીડીનું પ્રસારણ કરવાનું વિચારીએ છીએ.

રાજકોટ – રાજકોટ વિહીપ મહામંત્રી નિતેશ કથીરિયાએ કહ્યું- 1987થી અમે રાવણદહનના કાર્યક્મનું રેસકોર્સ ખાતે આયોજન કરીએ છીએ. 3 દાયકા પછી પહેલી વાર આ વર્ષે રાવણદહન નહીં થઈ શકે. દર વર્ષે એક લાખથી વધુ લોકો આવે છે, પણ આ વખતે અલગ અલગ વિસ્તારોમાં અને ઘરોમાં શસ્ત્રપૂજનનાં આયોજન થશે. શસ્ત્રપૂજનનો સામૂહિક ઉત્સવ પણ આ વર્ષે નહીં યોજીએ.

જામનગર – જામનગરમાં રાવણદહનના આયોજક કિશોર સંસાણીએ જણાવ્યું હતું કે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે રાવણદહનનો કાર્યક્રમ કરીએ છીએ, પણ આ વખતે કોરોના મહામારીને કારણે અમે એ બંધ રાખ્યો છે. પરંપરા ખંડિત ન થાય એટલે માત્ર આગેવાનોની હાજરીમાં રાવણનું નાનું પૂતળું બનાવીને એનું દહન કરવાની વિચારણા અમે કરી રહ્યા છીએ.

સુરત – સુરતની આદર્શ રામલીલા કમિટીના સભ્ય અનિલ અગ્રવાલે જણાવ્યું કે 44 વર્ષ પછી પહેલી વાર રાવણદહનનો કાર્યક્રમ અમે બંધ રાખ્યો છે. પરંપરા તૂટે છે, પરંતુ અમારે ત્યાં રાવણનું પૂતળું બનાવનારા કારીગરો ઉપરાંત અન્ય મંડળીઓ પણ બહારથી આવે છે એટલે બીજા કાર્યક્રમો પણ યોજાશે નહીં. બહારથી આવનારા લોકોને સમૂહમાં રાખી શકાય નહીં એટલે આ નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *